કઠલાલમાં નિવૃત્ત આચાર્યના ઘરમાંથી 1.45 લાખની મત્તા તસ્કરો ચોરી ગયા
ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ
કેનેડાથી આવતા પુત્રને લેવા પિતા ઘર બંધ કરીને અમદાવાદ એરપોર્ટ ગયા ત્યારે તસ્કરો ત્રાટક્યા
કઠલાલ: કઠલાલમાં નિવૃત્ત આચાર્ય મકાન બંધ કરી અમદાવાદ એરપોર્ટ પર દિકરાને લેવા ગયા હતા. ત્યારે તસ્કરો ઘરનું તાળું તોડી રૂપિયા ૧.૪૫ની મત્તા ચોરી પલાયન થઈ ગયા હતા. કઠલાલ પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કઠલાલ પંથકમાં બનતા ચોરીના બનાવો અટકાવવા માટે પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેમ નાગરિકો ઇચ્છી રહ્યા છે.
કઠલાલ શહેરમાં મણિનગર ન્યુ ક્રિશ્ચિયન વિસ્તારમાં રવીકાન્તભાઈ ગોવિંદભાઈ ક્રિશ્ચિયન રહે છે. તેઓ નિવૃત્ત આચાર્ય છે. તેમનો દિકરો મનીષ કેનેડાથી આવવાનો હોવાથી તા. ૫મી માર્ચે રવીકાન્તભાઈ કઠલાલનું મકાન બંધ કરી દિકરાને લેવા માટે એરપોર્ટ ગયા હતા. એક દિવસ અગાઉ નીકળેલા રવીકાન્તભાઈ પોતાના અન્ય દિકરાના ઘરે અમદાવાદ રોકાયા હતા. જ્યાંથી ઘરના તમામ સભ્યો એરપોર્ટ પર ગયા હતા. દરમિયાન કઠલાલ ખાતેના તેમના બંધ મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો. જેની જાણ પડોશી મારફતે તેમને ૭મી માર્ચે સાંજે થઈ હતી. જે બાદ તેઓ પોતાના ઘરે દોડી આવ્યા હતા. જ્યાં ઘરના મુખ્ય દરવાજાનો નકુચો કાપેલી હાલતમાં હતો. ઘરમાં સરસામાન અસ્તવ્યસ્ત હતો. તપાસ કરતા રોકડ રૂપિયા અને સોના-ચાદીના દાગીન મળી કુલ રૂપિયા ૧.૪૫ લાખની મત્તાની ચોરી થઈ હોવાનું જણાયું હતું.આ બનાવ મામલે રવીકાન્તભાઈ ગોવિંદભાઈ ક્રિશ્ચિયને કઠલાલ પોલીસને જાણ કરતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.