નાયબ મામલતદારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : ૧૨.૬૦ લાખની ચોરી

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
નાયબ મામલતદારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : ૧૨.૬૦ લાખની ચોરી 1 - image


ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત

સેક્ટર-૮નું મકાન બંધ કરીને પતિ સાથે વતનમાં ઈડર ગયા હતા તે સમયે તાળાં તોડીને ચોરી : પોલીસની તપાસ

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના સેક્ટર ૮માં રહેતા નાયબ મામલતદારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દાગીના અને રોકડ રકમ મળીને ૧૨.૬૦ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી બંધ મકાનોને નિશાન બનાવતી તસ્કર ટોળકી સક્રિય થઈ છે અને એક પછી એક સેક્ટરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે પરંતુ આ ટોળકી નહીં પકડાવાને કારણે ઘરફોડ ચોરીનો સીલસીલો અટકવાનું નામ લેતો નથી ત્યારે શહેરના સેક્ટર ૮માં વધુ એક બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સેક્ટર ૮-બી પ્લોટ નંબર ૩૯૪/એ-૧માં રહેતા અને પોલીસ ભવનમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિવ્યેશ પોપટભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પત્ની અનિતાબેન ગાંધીનગર કલેકટર કચેરી ખાતે જમીન સંપાદનમાં શિરસ્તેદાર તરીકે ફરજ બજાવે છે ગઈકાલે વતન ઈડર ખાતે રહેતા તેમના માતાની તબિયત નાદૂરસ્થ હોવાથી મકાનને તાળું મારીને પત્ની સાથે વતનમાં ગયા હતા. આ દરમિયાન આજે સવારમાં પાડોશમાં રહેતા મહિલા દ્વારા તેમની પત્નીના ફોન ઉપર જાણ કરવામાં આવી હતી કે, તમારા ઘરનું લોક તૂટેલું છે અને ગ્રીલના સળિયા કપાયેલી હાલતમાં બહાર પડયા છે. જેના પગલે તેઓ તુરંત જ ગાંધીનગર ખાતેના મકાનમાં આવી ગયા હતા અને જ્યાં ઘરમાં તપાસ કરતા બેડરૃમમાં રાખવામાં આવેલા લાકડાના કબાટનું લોકર તૂટેલું હતું અને સામાન વેર વિખેર હાલતમાં હતો. જેમાં રાખવામાં આવેલા દાગીના અને રોકડ રકમ મળી ૧૨.૬૦ લાખ રૃપિયાની મત્તા ચોરાઈ હોવાની જાણ થઈ હતી. જેથી આ સંદર્ભે સેક્ટર ૭ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી.


Google NewsGoogle News