સરગાસણમાં ગુરુદ્વારામાં તસ્કરો ત્રાટક્યાં દાન પેટીમાંથી રૃપિયા એક લાખની ચોરી
ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ શરૃ
દરવાજાનું તાળું તોડીને પ્રવેશેલા તસ્કરો આખે આખી દાન પેટી ઉઠાવી ગયા : ઇન્ફોસિટી પોલીસની તપાસ
ગાંધીનગર : પાટનગર ગાંધીનગર શહેરમાં ઠંડીના પગરવની સાથે તસ્કરો પણ પ્રવેશી ચૂક્યા છે ત્યારે સરગાસણમાં આવેલા ગુરુદ્વારામાં દરવાજાનું તાળું તોડીને તસ્કરો આખે આખી દાનપેટી ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
હવે શિયાળાની શરૃઆત ધીરે ધીરે થઈ રહી છે ત્યારે ગાંધીનગરમાં તહેવારો ટાણે તસ્કરો પણ સક્રિય થઈ ગયા છે. આ સ્થિતિમાં ગાંધીનગરના સરગાસણમાં આવેલા ગુરુદ્વારાને નિશાન બનાવવામાં આવ્યું હતું. જે સંદર્ભે મળતી વિગતો પ્રમાણે ધોળાકુવા ખાતે વૃંદાવન બંગ્લોઝમાં રહેતા ગુરુપ્રીતસિંગ વધાવસીંગ ડિલોન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, તેઓ આ ગુરુદ્વારાના મુખ્ય ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ગઈકાલે રાત્રિના સમયે તેઓ સરગાસણ ખાતે ગુરુદ્વારામાં પાઠ કરવા માટે ગયા હતા અને પ્રથમ માળે આવેલા દિવાન હોલમાં પાઠ કરીને રાત્રે પૂજા કર્યા બાદ ગુરુદ્વારામાં કામ કરતા વશરામભાઈએ દિવાન હોલને તાળું માર્યું હતું. આજે સવારના સમયે તેઓ ઘરે હતા તે દરમિયાન ગુરુદ્વારાના પુજારી મોહનસિંગનો તેમની ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ગુરુદ્વારાના દિવાન હોલનું કોઈએ તાળું તોડયું છે અને દાન પેટીની ચોરી કરી છે. જેના પગલે તેઓ તુરંત જ ગુરુદ્વારા ઉપર પહોંચ્યા હતા અને જોયું તો દાન પેટી જણાય ન હતી. જેની અંદર એક લાખ રૃપિયાનું દાન આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરીને શોધખોળ શરૃ કરવામાં આવી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં વધી રહેલી આ પ્રકારની ઘરફોડ ચોરીને પગલે હવે પોલીસના રાત્રી પેટ્રોલિંગમાં વધારો કરવાની જરૃરિયાત લાગી રહી છે.