દવાઓના બિલ બનાવી વિદેશી દારૃની હેરાફેરી કરનાર સૂત્રધારની શોધખોળ
કબજે કરેલી દારૃની બોટલ પર મેન્યુફેક્ચરિંગ ડેટ અને બેચ નંબર જ નથી : બોગસ ફેક્ટરીમાં દારૃ બન્યો હોવાની શક્યતા
વડોદરા,પીસીબી પોલીસે ૪૭ લાખનો દારૃ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ટ્રકમાં દવાઓનો જથ્થો હોવાની બોગસ બિલ્ટી બનાવવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કરી સપ્લાયર અને દારૃ મંગાવનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
શનિવારે બપોરે પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, મહારાષ્ટ્રથી વિદેશી દારૃ ભરીને મરૃન કલરની ટ્રક વડોદરા બાયપાસ આવવાની છે. જેથી, પી.આઇ.એસ.ડી. રાતડાની સૂચના મુજબ, પી.એસ.આઇ.એસ.આર.પટેલ અને સ્ટાફે જાંબુવા બાયપાસ નજીક વોચ ગોઠવી હતી. પોલીસે હાઇવે પર ટ્રાફિક જામ કરી ટ્રક આંતરીને ઉભી રખાવી હતી. ટ્રકના ડ્રાઇવર બાપુ નામદેવભાઇ શ્રીરામ ( રહે. મહારાષ્ટ્ર) ને પૂછતા તેણે જણાવ્યું હતું કે, ટ્રકમાં દવાઓનો જથ્થો ભરેલા બોક્સ છે. જે ટ્રક મારા શેઠ પ્રશાંત જગતાપે મુંબઇથી મને આપી છે. અને એક મોબાઇલ નંબર પરથી તને ફોન આવશે તેવુ ંકહ્યું હતું. તે નંબર પરથી મને કોલ કરીને કહેવામાં આવ્યું હતું કે, વડોદરા બાયપાસ પાસે કચરાના ઢગ પાસે આવીને ઉભો રહેજે. પોલીસે કુલ ૪૭,૮૦૮ બોટલ કિંમત રૃપિયા ૪૭,૮૦,૮૦૦ ની કબજે લીધી હતી. પોલીસ ટ્રક, મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૫૭,૯૦,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે કબજે કરેલા વિદેશી દારૃની બોટલ પર મેન્યુફેક્ચરિંગ ડેટ અને બેચ નંબર લખ્યા નહતા. આ દારૃ ગેરકાયદે ઉભી કરેલી ફેક્ટરીમાં બન્યો હોવાની પણ શક્યતા છે. જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.