સ્ટેટ વિજિલન્સના દરોડા લક્ષ્મીપુરા પાસે દારૃ વેચાણ કરનાર સહિત ૮ ઝડપાયા
પાદરાનો રાજુ વાઘેલા સહિત ત્રણ ફરાર ઃ વિજિલન્સે દાજીપુરામાં પણ દરોડો પાડયો
વડોદરા, તા.8 વડોદરા-પાદરારોડ પર આવેલ લક્ષ્મીપુરા ગામની સીમમાં ખુલ્લામાં દારૃ વેચાણ સ્થળે વિજિલન્સે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી પાડયા હતા જ્યારે ત્રણ શખ્સોને ફરાર જાહેર કર્યા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ લક્ષ્મીપુરા ગામે ખોડિયારનગર સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં હિતેશ ઉર્ફે લાલુ ઠાકોર માળી (રહે.ખોડિયારનગર, લક્ષ્મીપુરા) દારૃનું વેચાણ કરે છે તેવી માહિતીના આધારે વિજિલન્સની ટીમે ગઇકાલે દરોડો પાડતાં હિતેશ ઉર્ફે લાલુ, તેનો મિત્ર મેહુલ જયેન્દ્ર ગોહિલ, બનેવી વિક્રમ સુરેશ પટેલ તેમજ ઉમેશ સુરેશ પટેલ, અજય ભીખાભાઇ સોલંકી, અજય પૂનમભાઇ માળી, વિજય ઉર્ફે ભયલું રમેશભાઇ માળી અને ગોપાલ શનાભાઇ વાઘરીને ઝડપી પાડયા હતાં.
પોલીસે સ્થળ પરથી દારૃ અને બીયરનો રૃા.૨૮૮૦૦નો જથ્થો, છ વાહનો, ૮ મોબાઇલ અને રોકડ મળી કુલ રૃા.૨.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે હિતેશ ઉર્ફે લાલુની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે સાત દિવસ પહેલાં ખોડિયારનગરમાં રહેતા રણજીત છત્રસિંહ ગોહિલે મને જણાવેલ કે રથયાત્રાના કારણે બધે દારૃની શોર્ટેજ છે, તું દારૃ વેચે તો તારું સેટિંગ કરી આપું, બાદમાં તેણે પાદરાના રાજુ વાઘેલા અને દર્શન માળીનો સંપર્ક કરાવ્યો હતો અને તેઓની પાસેથી દારૃ અને બીયરનો જથ્થો લાવતો હતો.
તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ગઇકાલે જ વિજિલન્સની ટીમે દરોડો પાડયો હતો અને આ રેડને હજી ૨૪ કલાક પણ નથી થયા અને દાજીપુરા ગામે સાંજના સુમારે ફરી રેડ કરતાં બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. વિજિલન્સની ટીમે કરજણના વલણ ગામે પણ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.