SMCએ રઝાક મન્સુરીને બીજી વખત પકડયો વિજિલન્સે એક સપ્તાહ પહેલાં પકડયો જામીન પર છૂટીને ફરી દારૃની ખેપ મારી
વાઘોડિયારોડનો નીરવ ઉર્ફે નિલેશ અને વાઘોડિયાનો સલીમ ઉર્ફે બટકો વોન્ટેડ છતાં દારૃના ધંધામાં સક્રિય
વડોદરા, તા.28 એક સપ્તાહ પહેલાં જ સ્ટેટ વિજિલન્સની રેડમાં દારૃની હેરાફેરીમાં ઝડપાયેલો વાઘોડિયાનો રઝાક જેલમાંથી છૂટીને ફરીથી દારૃની હેરાફેરી કરવા લાગ્યો હતો. ફરીથી વિજિલન્સે તેને દારૃની હેરાફેરીમાં ઝડપી પાડી દારૃ ભરેલી કાર કબજે કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે ડભોઇ વેગા ચોકડીથી ડભોઇ જતા રોડ પર ગઇરાત્રે સ્ટેટ વિજિલન્સની ટીમે એક બ્રેઝા કાર બાતમીના આધારે ઝડપી પાડી હતી. કારમાંથી રઝાક અબ્દુલ મન્સુરી (રહે.નવીનગરી, એસટી ડેપો પાછળ, વાઘોડિયા)ને ઝડપી પાડી દારૃની ૯૮૨ બોટલો, મોબાઇલ, કાર મળી કુલ રૃા.૭.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં દારૃનો જથ્થો મંગાવનાર નીરવ ઉર્ફે નિલેશ ભરત પટેલ (રહે.વૃંદાવન ચાર રસ્તા, વાઘોડિયારોડ) અને તેનો ભાગીદાર સલીમ ઉર્ફે બટકો પઠાણ (રહે.વાઘોડિયા)ના નામો ખૂલ્યા હતાં. દારૃનો જથ્થો છોટાઉદેપુર પાસેથી ભરીને લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
વિજિલન્સે નીરવ ઉર્ફે નિલેશ, સલીમ ઉર્ફે બટકો, છોટાઉદેપુરથી દારૃનો જથ્થો ભરી આપનાર શખ્સ તેમજ કારના માલિક સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તે ગુનાની તપાસ કરજણના પીએસઆઇને સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તા.૨૧ની રાત્રે પણ રઝાક અબ્દુલ મન્સુરી તેમજ દિલીપ મહેન્દ્ર પરમાર દારૃ ભરેલી કાર સાથે પલાસવાડા ફાટક પાસેથી ઝડપાયા હતા. બંનેની પૂછપરછમાં પણ નીરવ ઉર્ફે નિલેશ અને સલીમ ઉર્ફે બટકાનું નામ ખૂલ્યું હતું. સપ્તાહ પહેલાં વિજિલન્સે પકડેલ રઝાક મન્સુરી જામીન પર છૂટીને તુરંત દારૃની ખેપ મારવા લાગી ગયો હતો પરંતુ બીજી વખત પણ વિજિલન્સે તેને ઝડપી પાડયો હતો. અગાઉના ગુનામાં પણ દારૃના ધંધાર્થીઓ નીરવ ઉર્ફે નિલેશ પટેલ તેમજ સલીમ ઉર્ફે બટકો ઝડપાયા નથી. તેઓ બંને વોન્ટેડ હોવા છતાં દારૃના ધંધામાં સક્રિય હોવાનું વિજિલન્સની તપાસમાં બહાર આવ્યું છે.