વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ : મજૂરી કરીએ છીએ એમાંથી જીઇબીને ખવડાવીએ કે અમારા છોકરાવને
પ્રિયલક્ષ્મી મિલ ગરનાળુ અને વડીવાડી વિસ્તારના લોકો સોમવારે મોરચો લઇને વીજ કચેરીએ પહોંચ્યા ઃ કોઇ પણ ભોગે જુનુ મીટર પાછુ આપવા માગ
વડોદરા : એક સપ્તાહથી વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વિરોધની જ્વાળા એટલી પ્રચંડ બની છે કે વીજ કંપનીએ આખરે જાહેરાત કરવી પડી છે કે સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી હાલ પુરતી મોકુફ રખાઇ છે. જો કે જે વિસ્તારોમાં સ્માર્ટ મીટરો લાગેલે છે તે વિસ્તારોમાંથી રોજ એક નવો મોરચો વીજ કચેરીએ પહોંચી રહ્યો છે અને ઉગ્ર રજૂઆતો થઇ રહી છે. લોકોની એક જ માગ છે કે નવા સ્માર્ટ મીટરો તાત્કાલિક કાઢી જાવ અને તેના સ્થાને અમારા જુના મીટરો લગાવી દો.
આજે પ્રિયલક્ષ્મી મિલના ગરનાળાની આસપાસની વસાહતો અને સોસાયટીના લોકો તથા વડીવાડી વિસ્તારના લોકો મોરચો લઇને વીજ કચેરીએ ધસી ગયા હતા. મોટી સંખ્યામાં આવેલા લોકોમાં મહિલાઓની સંખ્યા વિશેષ હતી. મહિલાઓએ ઉગ્ર રજૂઆતો કરી હતી કે 'અમને ધમકી આપીને જુના મીટરો કાઢી નવા મીટરો લગાવી ગયા છે.
પહેલા બે મહિને જેટલુ બિલ આવતુ હતું એટલુ રિચાર્જ તો નવા મીટરમાં છ દિવસમાં પુરૃ થઇ જાય છે. વારંવાર રિચાર્જના પૈસા ક્યાંથી કાઢવા. અમે તો મજુરી કરીએ છીએ. મહિને માંડ ૧૦ હજાર કમાણી થાય એમાં આ જીઇબીવાળાના પેટ ભરીએ કે અમારા છોકરાના ? સ્માર્ટ મીટરમાં તો જેટલા પૈસા ભરો એટલા ખાઇ જાય છે. મજુરીએ જઇએ તો પણ ટેન્શન હોય છે કે લાઇટ બંધ થઇ જશે. તમારે પોલીસ બોલાવી હોય તો પોલીસ અને મિલિટરી બોલાવી હોય તો મિલિટરી બોલાવો પણ અમારૃ જુનુ મીટર આપી દો અને નવુ મીટર પાછુ લઇ જાવ. અમારી માગ પુરી નહી થાય તો અમે ગાંધીનગર મોરચો લઇને જઇશું.