બળજબરીથી સ્માર્ટ મીટરો નહીં લગાવાય, પહેલા લોકોનો વિશ્વાસ જીતીશુંઃ GUVNL MD
વડોદરાઃ વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં સ્માર્ટ વીજ મીટરો સામે ફૂંકાયેલા વિરોધ વંટોળ બાદ વીજ કંપનીઓ રોજે રોજ સ્પષ્ટતા કરીને લોકોના રોષને શાંત પાડવા માટે મથામણ કરી રહી છે.
આજે તમામ સરકારી વીજ કંપનીઓની પેરેન્ટ કંપની જીયુવીએનએલ(ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ)ના એમડી જય પ્રકાશ શિવહરેને નિવેદન આપવુ પડયુ હતુ.તેમણે કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓએ ૫૦૦૦૦ સ્માર્ટ મીટરો લગાવ્યા છે અને તેમાં અમે ૧૦૦ ટકા ખાતરી કરીને આગળ વધ્યા છે.મીટરોમાં કોઈ ખામી નથી.કેટલાક લોકોને ગેરસમજ થઈ હોય તેવુ શક્ય છે.જૂના મીટરોના મુકાબલે સ્માર્ટ મીટરો વધારે સારા છે અને તેમાં ઘણા ફીચર્સ છે.જેમ કે લોકો સ્માર્ટ મીટરની મોબાઈલ એપથી પોતાના વીજ વપરાશની જાણકારી મેળવી શકશે.આમ છતા મીટરો સામે લોકોનો વિરોધ થયો છે ત્યારે હવે લોકોનો વિશ્વાસ જીત્યા બાદ જ નવા સ્માર્ટ મીટરો લગાવાશે.બળજબરીથી કોઈને ત્યાં મીટરો નહીં લગાવાય.હવે વીજ કંપનીઓ સરકારી કચેરીઓમાં પહેલા મીટરો લગાડશે અને ત્યાં જૂના મીટરો યથાવત રાખીશું.જેથી સરકારી કચેરીઓની મુલાકાત લેનારા લોકો પણ નવા મીટર અને જૂના મીટરોની સરખામણી કરી શકે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, અગાઉ ૧૦૦ સ્માર્ટ મીટરોની સામે માત્ર પાંચ જોડાણો પર ચેક મીટરો લગાવવાનો નિર્ણય લેવાયો હતો પણ હવે કોઈ પણ ગ્રાહક માંગણી કરશે તો તેને સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર પણ લગાવી અપાશે.જ્યા સ્માર્ટ મીટરો લાગી ગયા છે ત્યાં પણ લોકોની ડીમાન્ડ પ્રમાણે ચેક મીટરો લગાવાશે.સ્માર્ટ મીટરની સિસ્ટમ બહુ પારદર્શી છે.લોકોને આ સિસ્ટમથી ફાસ્ટ ટેગ જેવો જ ફાયદો થશે.જયપ્રકાશ શિવહરેએ જણાવ્યુ હતુ કે, જ્યાં સ્માર્ટ મીટર લગાવ્યા છે ત્યાં જૂના મીટરનુ બાકી બિલ રિચાર્જમાંથી કાપવામાં આવતુ હતુ અને તેના કારણે લોકોન લાગતુ હતુ કે, અમારુ બિલ વધારે આવે છે પણ હવે અમે લોકોને જૂના મીટરનુ બિલ અલગથી આપીશું અને તે ભરવા માટે પણ સમય આપીશું.