સૌથી પહેલા અલકાપુરી અને અકોટા વિસ્તારમાં ૨૫૦૦૦ જેટલા સ્માર્ટ વીજ મીટરો લગાવાશે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
સૌથી પહેલા અલકાપુરી અને અકોટા વિસ્તારમાં ૨૫૦૦૦ જેટલા સ્માર્ટ વીજ મીટરો લગાવાશે 1 - image

વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ જોડાણો પર સ્માર્ટ મીટર નાખવા માટે તૈયારીઓ શરુ કરી છે. આ માટે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આગામી અઢી વર્ષમાં ૩૪ લાખ ગ્રાહકોને વિનામૂલ્યે સ્માર્ટ મીટર નાખી આપવામાં આવશે. આ સમગ્ર પ્રોજેકટ પાછળ ૨૯૦૦ કરોડ રુપિયાનો ખર્ચ થશે.આ પૈકીનો કેટલોક ખર્ચ કેન્દ્ર સરકાર અને કેટલોક ખર્ચ  એમજીવીસીએલ ભોગવશે.દરેક મીટરની કિંમત લગભગ ૬૦૦૦ રુપિયા જેટલી થશે.જોકે મીટરનો કોઈ ખર્ચ ગ્રાહક પાસેથી વસૂલ કરવામાં નહીં આવે.

મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તેજસ પરમારે  એક વાતચીતમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર દ્વારા વીજ પૂરવઠો પૂરો પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગ રૃપે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા ઉપરાંત આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, મહિસાગર અને છોટા ઉદેપૂર સહિત સાત જિલ્લાઓના ૩૪ લાખ જેટલા વીજ ગ્રાહકોને આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં સ્માર્ટ  મીટર નાખી આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, પાયલોટ પ્રોજેકટના ભાગરુપે સૌથી પહેલા  વડોદરા શહેરના અલકાપુરી અને અકોટા સબ ડિવિઝન હેઠળ આવતા તમામ સરકારી, ખાનગી, ઔદ્યોગિક એકમો સહિતના ૨૫ હજાર જેટલા ગ્રાહકો માટે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરાશે. મીટર નાંખવાની કામગીરી ડિસેમ્બર મહિનાના અંતમાં અથવા તો નવા વર્ષના પ્રારંભથી શરુ કરાય તેવી સંભાવના છે.વધુમાં નવા વીજ કનેકશનમાં હવેથી સ્માર્ટ મીટર લગાવવાનુ પણ આયોજન છે.  સ્માર્ટ મીટર નાખવાથી મીટર રિડિંગ આપોઆપ અને ચોક્કસાઇ પૂર્વક થઇ જશે.

સ્માર્ટ મીટર લાગ્યા બાદ તમામ જોડાણો પ્રિ-પેઈડ થઈ જશે

ગ્રાહક ગમે તેટલી વખત રીચાર્જ કરાવી શકશે, રીચાર્જ માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે

સ્માર્ટ મીટરો લાગવાના કારણે બિલિંગ સિસ્ટમમાં ધરમૂળથી ફેરફારો થવાના છે અને તેના કારણે ગ્રાહકોને ફાયદો થશે તેવો દાવો થઈ રહ્યો છે.એમજીવીસીએલના સૂત્રોના કહેવા પ્રમાણે 

--અત્યારે ગ્રાહકો પોસ્ટ પેઈડ પેમેન્ટ કરે છે.જેમાં બિલ આવ્યા બાદ પેમેન્ટ થાય છે.સ્માર્ટ મીટર લાગ્યા બાદ ગ્રાહકોએ  પ્રિ પેમેન્ટ કરવાનુ રહેશે.મતબલ કે ગ્રાહકોએ પોતાની ઈચ્છા હોય તેટલી રકમ ભરીને રીચાર્જ કરવાનુ રહેશે.

--જ્ેટલી રકમ ભરી હશે તે પ્રમાણે  ગ્રાહકો વીજ વપરાશ કરી શકશે.એક લિમિટ બાદ ગ્રાહકને  મેસેજ આવશે કે ,તમારુ બેલેન્સ ખતમ થવા આવ્યુ છે એટલે તમારે ફરી રીચાર્જ કરવાની જરુર છે.

--મોબાઈલ એપ થકી ગ્રાહકો રીચાર્જ કરી શકશે.રીચાર્જની મિનિમમ રકમ કેટલી હશે તે આગામી દિવસોમાં નક્કી કરાશે.

--સ્માર્ટ મીટર ઈન્સ્ટોલેશન બાદ ગ્રાહકો પોતાના વીજ વપરાશની માહિતી સતત જોઇ શકે તે માટે ખાસ મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે.

--ગ્રાહકો મોબાઇલ એપના માધ્યમથી પોતાના ઘરમાં વીજળીના વપરાશની માહિતી મેળવી શકશે અને તેના કારણે જરુર પડે તો વીજ વપરાશ ઓછો કરીને ગ્રાહકો માટે  ખર્ચ ઘટાડવાનુ પણ શક્ય બનશે.

--ગ્રાહકો ગમે તેટલી વખત રીચાર્જ કરાવી શકશે.હાલમાં એક સાથે બિલની રકમ ચુકવવી પડે છે.તેની જગ્યાએ ગ્રાહકો ઈચ્છે તેટલી રકમનુ રીચાર્જ કરાવીને તે પ્રમાણે વીજ વપરાશ કરી શકશે.

--રીચાર્જ માટે જમા કરાવેલી રકમનો વપરાશ કરવા માટે કોઈ સમય મર્યાદા નહીં રહે.

--મોબાઈલ એપ સિવાય વીજ કંપનીઓની કચેરીઓ પરથી પણ રીચાર્જની વ્યવસ્થા ગોઠવાશે.દુકાનો કે સ્ટોર પર પણ રીચાર્જની સુવિધા શરુ કરવાની વિચારણા હાલના તબક્કે ચાલી રહી છે.

--સોલર પેનલ ધરાવતા ગ્રાહકોેના વીજ યુનિટ અત્યારની જેમ જ જમા થતા રહેશે.તેમને કોઈ તકલીફ ના પડે તેનુ ધ્યાન રખાશે.

--કોઈ પણ ગ્રાહકનુ વીજ જોડાણ ઓફિસના કલાકો દરમિયાન જ કાપવામાં આવશે.રજાના દિવસે પણ જોડાણ કાપવાની કાર્યવાહી નહીં થાય.

--સ્માર્ટ મીટરમાંથી કૃષિ જોડાણોને બાકાત રાખવામાં આવ્યા છે

--

એમજીવીસીએલને શુ ફાયદો થશે

--મીટર રીડિંગની કામગીરી કરવાની નહીં રહે.આપોઆપ મીટર રીડિંગ થઈ જશે.આમ કર્મચારીઓની કામગીરીના કલાકો ઘટશે.

--વપરાશના આધારે કયા વિસ્તારોમાં વીજ ચોરી થઈ રહી છે તે જાણી શકાશે.એનર્જી ઓડિટ વધારે સારી રીતે થઈ શકશે

--કન્ઝ્યુમરના વપરાશની પેટર્ન પણ જાણી શકશે.વીજ માંગનો અંદાજ મુકી શકાશે. તેના આધારે વીજળી ખરીદીનુ અગાઉથી આયોજન કરવુ શક્ય બનશે.

--જે ફીડર પર વપરાશ વધારે છે તેની જાણકારી મળશે અને તેના કારણે સિસ્ટમ સુધારવામાં મદદ મળશે.

સૌથી પહેલુ મીટર એમજીવીસીએલના એમડીના ઘર પર લાગશે

સૌથી પહેલુ વીજ મીટર એમજીવીસીએલના એમડીના સત્તાવાર નિવાસ સ્થાન પર લગાવવામાં આવશે.ઉપરાંત પાયલોટ પ્રોજેકટમાં વીજ કર્મચારીઓ જ્યાં રહે છે તે વિદ્યુત નગર કોલોની તેમજ રેસકોર્સ ખાતે આવેલી વિવિધ સરકારી વીજ કંપનીઓની ઓફિસોમાં પણ સ્માર્ટ વીજ મીટરો ઈન્સ્ટોલ કરવામાં આવશે.



Google NewsGoogle News