સ્માર્ટ વીજ મીટર પાયલોટ પ્રોજેકટ પૂરો, હવે એક વર્ષમાં ૧૫ લાખ મીટરો લગાવાશે
વડોદરાઃ મધ્ય ગુજરાતમાં લગભગ ૩૬ લાખ વીજ જોડાણો પર પ્રી પેઈડ સ્માર્ટ મીટર લગાવવાની મહત્વાકાંક્ષી યોજનાનો પાયલોટ પ્રોજેકટ આખરે પૂરો થઈ ગયો છે.
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જાન્યુઆરી મહિનામાં શરુ કરાયેલા પાયલોટ પ્રોજેકટના ભાગરુપે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ૨૫૦૦૦ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.તા.૩૦ એપ્રિલ સુધીમાં આ પ્રોજેકટ પૂરો કરવાનુ લક્ષ્યાંક હતુ અને આ લક્ષ્યાંક હાંસલ કરવામાં માત્ર ૩ દિવસ વધારે લાગ્યા છે.
વીજ કંપનીના સૂત્રોએ કહ્યુ હતુ કે, પાયલોટ પ્રોજેકટના ભાગરુપે લગાવાયેલા મીટર કાર્યરત પણ થઈ ગયા છે.હાલમાં તેમાં લેવાતુ રીડિંગ અને વીજ કંપનીના સર્વર પરનુ રીડિંગ સરખુ આવે છે કે નહીંં તેની ચકાસણી ચાલી રહી છે.મીટરની કામગીરી યોગ્ય રીતે ચાલી રહી હોવાનુ પ્રાથમિક તબક્કે દેખાઈ રહ્યુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલોટ પ્રોજેકટના ભાગરુપે ૨૫૦૦૦માં સૌથી વધારે મીટર વડોદરામાં જ લગાવાયા છે.સ્માર્ટ મીટર લગાવવાનુ ચાલુ જ રહેશે.આગામી દિવસોમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં આવતા સાત જિલ્લાઓમાં એક સાથે સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી શરુ કરવામાં આવશે.માર્ચ ૨૦૨૫ સુધીમાં એટલે કે આગામી એક વર્ષમાં ૧૫ લાખ સ્માર્ટ મીટર વીજ જોડાણો પર લગાવાશે.આ દરમિયાન નવા વીજ જોડાણો માટે અરજી કરનારા ગ્રાહકોને સીધા સ્માર્ટ મીટર લગાવાશે. સોલાર પેનલો ધરાવતા ગ્રાહકોને પણ સ્માર્ટ મીટર લગાવવા આડે જે અડચણ હતી તે દૂર કરી લેવાઈ છે.આજે આવા આઠ ગ્રાહકોને મીટરો લગાવવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
એક વર્ષમાં વડોદરામાં લગભગ ૯૦ ટકા જોડાણો પર સ્માર્ટ મીટર લાગી જશે તેવો અંદાજ છે.માર્ચ-૨૦૨૬ સુધીમાં મધ્ય ગુજરાતના તમામ ૩૬ લાખ વીજ જોડાણો પર સ્માર્ટ મીટરો લગાવવાનુ લક્ષ્યાંક છે.
કયાં કેટલા સ્માર્ટ મીટર લગાવાયા
વડોદરા
અકોટા ૪૫૧૧
અલકાપુરી ૨૯૦૬
ગોત્રી ૧૧
માંજલપુર ૨૯૬૩
ગોરવા ૩૧૪૩
સમા ૯૨૦
ફતેગંજ ૯૧૮
અન્ય શહેરો
વણાકબોરી ૧૮૩૮
ગોધરા ૫૪૨૧
પાદરા ૨૫૫૦
આણંદ ૩૧૦