દર ૧૦૦માંથી પાંચ જોડાણોમાં જૂના મીટરો યથાવત્ રાખીને સ્માર્ટ મીટર લગાવાશે
વડોદરાઃ વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવા સામે વિરોધ શરુ થયો છે.જોકે વીજ કંપની સ્માર્ટ મીટર લગાવવાનુ બંધ નહીં કરે અને આ કામગીરી ચાલુ જ રાખશે.સાથે સાથે લોકો માટે જનજાગૃતિ અભિયાન ચલાવશે અને તેમને જરુરી તમામ જાણકારી પૂરી પાડવાની સાથે સાથે લોકો દ્વારા મળેલા સૂચનો અમલ પણ કરશે.
ઉલ્લેખનીય છે કે, અકોટા અને ગોરવા બાદ આજે ફતેગંજ વિસ્તારમાં લોકો સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.બીજી તરફ વીજ કંપનીના એમડી તેજસ પરમારે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, મીટરો લગાવવાનુ કામ ચાલુ રહેશે પણ લોકોની જે પણ શંકાઓ છે તે દૂર કરવા માટે પણ વીજ કંપની કામ કરી રહી છે.અમે વીજ બિલની ગણતરી કેવી રીતે થાય છે તેની તમામ જાણકારી વીજ કંપનીની વેબસાઈટ પર મુકવાના છે.સાથે સાથે પાયલોટ પ્રોજેકટમાં સામેલ લોકો તરફથી જે સૂચનો મળ્યા છે તેનો પણ અમલ કરવાના છે.
તેમણે કહ્યુ હતુ કે, ઘણા લોકોને શંકા છે કે, સ્માર્ટ મીટરનુ બિલ વધારે આવે છે અને તેમની શંકા દૂર કરવા માટે દર ૧૦૦માંથી પાંચ ઘરોમાં જૂનુ મીટર ચાલુ રહેવા દઈને સ્માર્ટ મીટર લગાવાશે.જેથી લોકો પોતાના વીજ વપરાશની બંને મીટરોમાં સરખામણી કરી શકે.સાથે સાથે અન્ય એક સૂચનના અમલના ભાગરુપે અમે જૂના વીજ મીટરમાં આવેલુ બિલ લોકોને એક સાથે ભરવા માટેની સગવડ પણ આપીશું.અત્યારે જૂનુ મીટર કાઢવામાં આવે ત્યારે મીટર કાઢ્યુ હોય ત્યાં સુધીનુ બિલ અલગ નથી અપાતુ.આ રકમ નવા સ્માર્ટ મીટરમાં લોકો જ્યારે રીચાર્જ કરાવે ત્યારે થોડી થોડી કરીને કાપવામાં આવે છે.જેથી લોકોને એક સાથે પૈસા ના ભરવા પડે પરંતુ તેના કારણે પણ લોકોને ગેરસમજ છે કે સ્માર્ટ મીટરનુ બિલ વધારે આવી રહ્યુ છે.
સ્માર્ટ મીટરની એપમાં ગુજરાતી અને હિન્દી ભાષાનો ઉમેરો કરાયો
વીજ કંપનીનુ કહેવુ છે કે, સ્માર્ટ મીટર માટેની એપમાં પહેલા માત્ર અંગ્રેજી ભાષા હતી પણ હવે તેમાં ગુજરાતી અને હિન્દી ભાષાનો પણ ઉમેરો કરાયો છે.
અગાઉ રજિસ્ટર્ડ નંબર પરથી જ સ્માર્ટ મીટર રિચાર્જ કરી શકાતુ હતુ પણ હવે કોઈ પણ મોબાઈલ નંબર પરથી રીચાર્જ કરવા માટેનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
સ્માર્ટ ફોનનો વપરાશ ના કરતા હોય અથવા તો ઓછુ ભણેલા હોય તેવા લોકો અત્યારે સબ ડિવિઝન ઓફિસ એટલે કે જે તે વિસ્તારની વીજ કચેરી ખાતે રિચાર્જ કરાવે છે.તેમને બેન્કમાં અને કેન્દ્ર સરકારની આધાર કાર્ડ જેવી સુવિધાઓ માટેના સેન્ટરો પર પણ રિચાર્જની સુવિધા મળે તે માટે વાતચીત ચાલી રહી છે.
જૂના મીટરની સિક્યુરિટી ડિપોઝિટ પણ જેમને ત્યાં નવુ મીટર લગાવાયુ છે તે ગ્રાહકોનેરિચાર્જની રકમ તરીકે એક સાથે પાછી આપવામાં આવશે.
સરકારી ઓફિસોના ૨૫૦૦૦ કનેક્શનો પર સ્માર્ટ મીટર લાગશે
મધ્ય ગુજરાત વીજ કંપનીએ પાયલોટ પ્રોજેકટ પૂરો કર્યા બાદ વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટરો નાંખવાની કામગીરી શરુ કરી દીધી છે અને પાયોલોટ પ્રોજેકટ સીવાય અત્યાર સુધીમાં ૩૦૦૦ જેટલી મીટરો લગાવાઈ ગયા છે.વીજ કંપની હાલમાં રોજ ૧૦૦૦ થી ૧૫૦૦ સ્માર્ટ મીટરો લગાવી રહી છે.આગામી દિવસોમાં મધ્ય ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટરો લગાવવાનુ લક્ષ્યાંક નકકી કરાયુ છે.એક અંદાજ પ્રમાણે મધ્ય ગુજરાતમાં વિવિધ સરકારી ઓફિસોના ૨૫૦૦૦ જેટલા જોડાણો છે. વર્ષના અંત સુધીમાં તમામ જોડાણો પર સ્માર્ટ મીટર લગાવાશે.આ માટે તમામ સરકારી ઓફિસોને પત્ર લખીને જાણ પણ કરી દેવામાં આવી છે.
વીજ કંપનીને સ્માર્ટ મીટરો લગાવવાની ઉતાવળ કેમ?
વડોદરામાં સ્માર્ટ વીજ મીટરો લગાવવા સામે થઈ રહેલા વિરોધને લઈને ઘણા લોકોનુ કહેવુ છે કે, વીજ કંપનીએ ખરેખર તો પાયલોટ પ્રોજેકટના ભાગરુપે લગાવેલા મીટરોનુ ડેટા એનાલિસિસ કરવુ જોઈએ અને લોકોને સંતોષ થાય તે પછી જ કામગીરી આગળ વધારવી જોઈએ.હાલમાં વીજ કંપનીએ પાયલોટ પ્રોજેકટ પૂરો કરીને હવે બીજા વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટરો લગાડવાની કામગીરી શરુ પણ કરી દીધી છે.બીજી તરફ પાયલોટ પ્રોજેકટના ભાગરુપે જ્યાં મીટરો લગાડાયા છે તે વિસ્તારના રહેવાસીઓ હવે આ જ મીટરોનો વિરોધ કરી રહ્યા છે.સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે તેવી લોકોની ફરિયાદો છે તો મીટરો લગાડવાની કામગીરી ચાલુ રાખવાથી બીજા વિસ્તારોમાં પણ હોબાળો થશે.તેની જગ્યાએ બે થી ત્રણ મહિના પાયલોટ પ્રોજેકટમાં લગાડાયેલા મીટરોના ડેટાનુ એનાલિસિસ કરીને લોકોને સંતોષકારક જવાબો આપવાની જરુર છે.એમ પણ આટલા વર્ષોથી જૂના મીટરો જ લાગેલા રહ્યા છે અને લોકોને તેની સામે કોઈ ફરિયાદ નથી તો વીજ કંપનીને સ્માર્ટ મીટરો નાંખવા માટે આટલી ઉતાવળ કેમ છે તેવો પણ સવાલ લોકો પૂછી રહ્યા છે.
સ્માર્ટ મીટર લગાવવાનુ બંધ નહીં થાય તો આંદોલનઃ કોંગ્રેસ
વડોદરા શહેર કોંગ્રેસે પણ સ્માર્ટ વીજ મીટર પ્રોજેકટનો વિરોધ કરતા કહ્યુ છે કે, સરકાર અને વીજ કંપની સામાન્ય લોકોની આંખમાં સ્માર્ટ મીટરના નામે ધૂળ નાંખવાનુ કામ કરી રહી છે.સ્માર્ટ મીટરના નામે વીજળીનુ ખાનગીકરણ કરાઈ રહ્યુ છે અને તેના કારણે લોકોનુ જીવન અંધકારમય બની જશે.સ્માર્ટ મીટર લાગ્યા બાદ રિચાર્જ કેવી રીતે કરવુ તેની જાણકારીના અભાવે પણ સેંકડો લોકોના જોડાણો કપાઈ ગયા છે અને તેઓ હેરાન થઈ રહ્યા છે.જો સ્માર્ટ મીટર લગાવવાનુ બંધ નહીં કરાય તો કોંગ્રેસ આંદોલન કરશે.