વીજ સેકટરનું ખાનગીકરણ થશે, સ્માર્ટ મીટર સામે વડોદરામાં સહી ઝૂંબેશ
વડોદરાઃ ગુજરાત ઈલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા આજે વીજ કંપનીના સ્માર્ટ મીટરના વિરોધમાં ન્યાયમંદિર વિસ્તારમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.સંગઠને તા.૩૧મીએ સ્માર્ટ મીટરો અને વીજ કંપનીના ખાનગીકરણના વિરોધમાં તા.૩૧ મેના રોજ ગાંધીનગર ગૃહ ખાતે લોક સુનાવણીનુ પણ આયોજન કર્યુ છે.
રાજ્યભરમાં સ્માર્ટ મીટરો લગાડવા સામેના વિરોધની શરુઆત વડોદરાથી થઈ હતી.ગુજરાત ઈલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશનની સહી ઝુંબેશમાં પણ આજે આકરી ગરમી વચ્ચે પણ લોકો જોડાયા હતા.
સંગઠનનુ કહેવુ છે કે, વીજ કંપનીઓનુ ખાનગીકરણ કરવા માટે સ્માર્ટ મીટરો લાવવામાં આવી રહ્યા છે.સરકાર વીજ ક્ષેત્રને ખાનગી કંપનીઓના હવાલે કરીને છટકી જશે.વીજ ક્ષેત્રના ઉત્પાદન, પ્રસારણ અને વિતરણમાં ખાનગી કંપનીઓને ૧૬ ટકાથી ૩૧ ટકા સુધીનો નફો રળવાની છૂટ આપવાની સરકારની યોજના છે અને એટલે જ સરકારને સ્માર્ટ મીટરો લગાવવાની ઉતાવળ છે.
સંગઠનનુ કહેવુ છે કે, સ્માર્ટ મીટરો લગાવ્યા બાદ પીક અવર્સમાં ડાયનેમિક પ્રાઈસિંગ લાગુ કરીને ગ્રાહકો પાસે વધારે ચાર્જ લેવામાં આવશે.ખાનગી કંપનીઓને નફો થાય તે રીતે જ વીજ વપરાશના દર રાખવામાં આવશે.વીજ ક્ષેત્ર ખાનગી કંપનીઓના હવાલે થઈ ગયા બાદ કંપનીઓ મનફાવે તેવા ભાવ વસૂલ કરી શકશે.
ગુજરાત ઈલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશનનો એવો પણ આક્ષેપ છે કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો પાસેથી ગ્રાહકોને વીજ દરોમાં રાહત કે સબસિડી આપવાની સત્તા પણ આંચકી લેશે. સ્માર્ટ મીટરના કારણે આખા દેશમાં મીટર રીડિંગ કરનારા કર્મચારીઓની દોઢ લાખ જગ્યાઓ ભવિષ્યમાં નાબૂદ થઈ જશે.