બળાત્કારીઓને ફાંસીની સજા આપવાની માગ સાથે સૂત્રોચ્ચાર
કોંગ્રેસે આવેદનપત્ર કલેકટર ઓફિસના બારણે ચોંટાડયું
વડોદરા,વડોદરા નજીક ભાયલી વિસ્તારમાં સગીરા પર ગેંગરેપના બનાવમાં પકડાયેલા નરાધમોને ફાંસીની માગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ સાથે કલેકટર ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસનું આવેદનપત્ર નહીં સ્વીકારતા આવેદનપત્ર કલેકટર કચેરીના બારણા પર ચોંટાડી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો.
બેટી બચાવો, બેટી પઢાવો અને નારી સુરક્ષાની વાતો શાસક પક્ષ ભાજપ દ્વારા કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં માતા, બહેનો, દીકરીઓ સુરક્ષિત નથી. નેતાઓ લાજવાને બદલે ગાજે છે. કોંગ્રેસે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તેનો ઝડપી ફેંસલો કરી ફાંસીની સજા આપવાની માગ કરી છે.
વડોદરાના અનગઢમાં જ ભાજપના કાર્યકરે તાજેતરમાં દુષ્કર્મ કર્યું હતું. દાહોદ જિલ્લામાં પણ એક આચાર્યે ૬ વર્ષની માસૂમ વિદ્યાર્થિની સાથે છેડછાડ કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ આચાર્ય પણ ભાજપની વિચારધારા ધરાવે છે.
રાજ્યનો કોઈ ખૂણો બાકી નથી, જ્યાં આવી દુષ્કર્મની ઘટના બની ન હોય. કોંગ્રેસે ગૃહમંત્રીનું રાજીનામું માગ્યું હતું.