યુનિ.હેડ ઓફિસથી ડોનર્સ પ્લાઝાની વચ્ચે સ્કાય વોક બનાવવા કવાયત
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ અને ડોનર્સ પ્લાઝાની વચ્ચે સ્કાય વોક બનાવવા માટેની કવાયત શરુ કરવામાં આવી છે.
યુનિવર્સિટી હેડ ઓફિસ અને ડોનર્સ પ્લાઝા વચ્ચેના મુખ્ય રસ્તા પર બનેલા ઓવર બ્રિજ બાદ હવે ડોનર્સ પ્લાઝામાં અભ્યાસ કરતા તેમજ પોલીટેકનિકમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પગપાળા અવર જવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.રસ્તા પરથી વાહનો એટલા ઝડપથી પસાર થાય છે કે, વિદ્યાર્થીઓ માટે પગપાળા રસ્તો ક્રોસ કરવો પણ જોખમી બની ગયુ છે.વાહન ચાલકો માટે અને ખાસ કરીને કાર ચાલકોને તો હેડ ઓફિસ આવવા માટે લાંબુ ચક્કર લગાવવુ જ પડે છે.
વિદ્યાર્થીઓની અવર જવરને ધ્યાનમાં રાખીને હવે કોર્પોરેશન દ્વારા હેડ ઓફિસથી ડોનર્સ પ્લાઝા વચ્ચે સ્કાય વોક બનાવવા માટેની કવાયત શરુ કરવામાં આવી છે.યુનિવર્સિટી સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે તાજેતરમાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો અને બ્રિજની લંબાઈ પહોળાઈ કેટલી રાખી શકાય તેનો અઁદાજ મેળવવામાં આવ્યો હતો.
કોર્પોરેશનના એક અધિકારીના કહેવા પ્રમાણે કોર્પોરેશનના બજેટમાં સ્કાય વોકના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે પણ તેના માટેની નાણાકીય જોગવાઈ હજી સુધી કરવામાં આવી નથી.આ સ્કાય વોક બનાવવા માટે એક થી દોઢ કરોડ રુપિયાનો ખર્ચ થાય તેમ છે.સ્કાય વોકથી સૌથી વધારે રાહત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓને થશે.જો યુનિવર્સિટી દ્વારા પોતાના બજેટમાં સ્કાય વોક બનાવવા માટેની જોગવાઈ કરે તો તે જલ્દી બની શકે તેમ છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટીની નાણાકીય હાલત જોતા દોઢ કરોડ ફાળવવા મુશ્કેલ છે.યુનિવર્સિટી સરકારમાં રજૂઆત કરીને સ્કાય વોક માટે ગ્રાંટની માંગણી કરે તો અલગ વાત છે.જોકે આ પ્રોજેકટ યુનિવર્સિટી બહારનો હોવાથી સરકાર યુનિવર્સિટીને પણ ગ્રાંટ ફાળવે તેમ લાગતુ નથી.