સ્કેટિંગ રીંકનો વિવાદ : કેન્દ્ર સરકારની MSMEમાં સંસ્થાની નોંધણી છતાં વડોદરા કોર્પોરેશન માન્ય ગણતી નથી

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
સ્કેટિંગ રીંકનો વિવાદ : કેન્દ્ર સરકારની MSMEમાં સંસ્થાની નોંધણી છતાં વડોદરા કોર્પોરેશન માન્ય ગણતી નથી 1 - image

વડોદરા,તા.30 ઓક્ટોબર 2023,સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ગોત્રી વિસ્તારમાં સ્કેટિંગ રિંક ભાડા પટ્ટે આપવાની પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર સરકાર સંચાલિત એમ.એસ.એમ.ઈ.માં સંસ્થાની નોંધણી છતાં હવે કોર્પોરેશન તેને પણ માન્ય ગણતી નથી જેને કારણે વિવાદ સર્જાયો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોત્રી વિસ્તારમાં સ્કેટિંગ રિંક ભાડા પટ્ટે આપવા અંગે તાજેતરમાં વિવિધ સંસ્થાઓ પાસેથી ભાવપત્ર મંગાવવામાં આવ્યા હતા જેમાં શરત રાખવામાં આવી હતી કે જે સંસ્થાઓ કે જે રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત સાથે સંકળાયેલી હોય અથવા આ પ્રકારની સંસ્થા સાથે એફીલીએટેડ કે રજીસ્ટર થયેલી હોય તેને જ ફાળવવામાં આવશે સંસ્થાએ રજીસ્ટ્રેશન અંગેનું સર્ટિફિકેટ ઓફર સાથે રજૂ કરવાનું રહેશે. આ નિયમ મુજબ પ્રથમ પ્રયત્ન દરમિયાન બે સંસ્થાએ ભાગ લીધો  હતો જેમાં એક સંસ્થાએ કેન્દ્ર સરકાર ના એમ.એસ.એમ.ઈ. સંસ્થામાં નોંધણી કરેલી હતી તેનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું અને તેને માન્ય ગણવામાં આવ્યું હતું. પરંતુ ભાવપત્ર પ્રક્રિયામાં માત્ર બે સંસ્થાએ ભાગ લીધો હોવાથી કોર્પોરેશનને ફરીથી નવેસરથી બીજો પ્રયત્ન કરી ભાવપત્ર મંગાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

ગોત્રી સ્કેટિંગ રિંક માટે બીજા પ્રયત્નોના ભાવ પત્રમાં ચાર સંસ્થાએ ભાગ લીધો હતો જેમાં ફરી અગાઉ જે સંસ્થાએ ભાગ લીધો હતો તેણે પણ પોતાનો ભાવ પત્ર સાથે અગાઉ જે કેન્દ્ર સરકાર સંચાલિત એમ. એસ.એમ.ઇ. વિભાગ મા સંસ્થાની નોંધણી થઈ છે તે અંગેનું સર્ટિફિકેટ રજુ કર્યું હતું. કેમ છતાં તેઓનું આ સર્ટિફિકેટ બીજા પ્રયત્નોના ભાવ પત્ર ની પ્રક્રિયામાં માન્ય રાખવામાં આવ્યું નહીં અને રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત સાથે સંકળાયેલી હોય તેવી સંસ્થાનું સર્ટિફિકેટ રજુ કરવા ફરજ પાડવામાં આવતા વિવાદ સર્જાયો છે.

કેન્દ્ર સરકાર એક તરફ એમ એસ એની પ્રોત્સાહન આપવા માટે વિવિધ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરે છે અને તેવી સંસ્થાઓને આગળ લાવવા સહાય પણ આપતી હોય છે તેવા સંજોગોમાં કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારના વિભાગનું પણ સર્ટીફીકેટ માનવામાં આવતું નથી તેને કારણે રમતગમત ની સંસ્થાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે કે અન્ય કોઈ માનીતી સંસ્થાને સ્કેટિંગ રિંકનો કોન્ટ્રાક્ટ આપવાની પેરવી પણ કરવામાં આવે તો નવાઈ નહીં એટલું જ નહીં ભાવપત્રમાં ભાગ લેનાર ચાર સંસ્થાની ઉપસ્થિતિમાં ભાવપત્ર ખોલવામાં આવ્યા પરંતુ તે કોઈને આમને સામને બતાડવામાં પણ આવ્યા નથી અને અધિકારી હાજર નથી જેથી આ ભાવ એકબીજાની સંસ્થાને બતાવી શકાશે નહીં તેવું બહાનું કાઢ્યું હતું.


Google NewsGoogle News