વિશ્વામિત્રી બ્રિજ પર શ્રીજી વિસર્જન યાત્રામાં DJ બંધ થઇ જતાં તંગદિલી સર્જાઇ,6 પીધેલા પકડાયા
વડોદરાઃ વિશ્વામિત્રીના ભીમનાથ બ્રિજ પર ગઇરાતે જય ભાથુજીનગર યુવક મંડળની સવારી દરમિયાન ડીજે બંધ થતાં ઉત્તેજના સર્જાઇ હતી.પોલીસે ઝપાઝપી કરતા યુવકો સામે કાર્યવાહી કરી હતી.જે પૈકી છ યુવકો દારૃ પીધેલી હાલતમાં પકડાતાં તેમની સામે કેસ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે,સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાંથી ગઇરાતે જય ભાથુજીનગર યુવક મંડળની શ્રીજી યાત્રા નીકળી ત્યારે ભીમનાથ બ્રિજ પર ડીજે બંધ થઇ જતાં યુવકોએ બૂમરાણ મચાવી હતી અને કેટલાક લોકો અંદરોઅંદર ઝપાઝપી કરતા હતા.
ઉપરોક્ત સ્થળે લોકોનું ટોળું એકત્રિત થઇ જતાં અને ટ્રાફિક જામ થતાં પોલીસે છ જણાની અટકાયત કરી દારૃ પીધેલાનો કેસ કર્યો હતો.જેમાં રત્નેશસિંહ ઠાકુર,નકુલ યાદવ,દિપ્તીરંજન નાયક,અશોક પાટીલ, જીગ્નેશ પાટીલ અને તરૃણ ચૌહાણનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત બનાવમાં પીઆઇ ઝેડ એન ધાસુરાની સૂચના મુજબ ઉપરોક્ત છ જણા સહિત કુલ ૧૬ જણા સામે બખેડો કરવા બદલ કેસ કર્યો છે અને તે પૈકીના ૧૩ની અટકાયત કરવામાં આવી છે.જ્યારે,સ્થળ પરથી ચાલ્યા ગયેલા ટેમ્પો ચાલક સહિતના ત્રણ જણાની શોધખોળ કરવામાં આવી રહી છે.