વડોદરામાં ચાંદીપુરા વાયરસથી વધુ છ બાળકો પોઝિટિવ, અત્યાર સુધી કુલ 18 બાળકના મોત
Chandipura Virus : વડોદરા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ ધરાવતાં વધુ છ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે વધુ બે શંકાસ્પદ બાળદર્દી સહિત કુલ 8 બાળદર્દી હાલ સારવાર હેઠળ સયાજી હૉસ્પિટલમાં દાખલ છે. જે પૈકીના ચાર બાળકોની હાલત ગંભીર હોવાથી આઇસીયુમાં છે, જ્યારે અન્ય ચાર બાળકની વૉર્ડમાં સારવાર થઈ રહી છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કુલ 32 બાળ દર્દીઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જે પૈકી 18 બાળકોના કરુણ મોત થયા છે. આ ઉપરાંત 6 બાળ દર્દીને રજા આપવામાં આવી છે.
બાળકો કુપોષિત હોય તો તેની રોગ પ્રતિકારક શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે. વાયરસજન્ય ચાંદીપુરામાં મચ્છર કરડવાથી તાવ આવે છે. અને બાળકોને સંપૂર્ણ કપડાં પહેરાવવામાં આવે છે. તેવી જ રીતે ચાંદીપુરાથી બાળકોને બચાવવા માટે દૂષિત પાણીનો ક્યાંય સંગ્રહ થયેલો ન હોય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. વરસાદની સિઝનમાં આ રોગથી બાળકોને બચાવવા મોટાભાગે રહેઠાણની આસપાસ, અન્ય જગ્યાએ, ટાયરોમાં જમા થઈ રહેતાં પાણીનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ. ઉપરાંત પર્યાવરણ બાબતે પણ ખાસ કાળજી લેવી જોઈએ તેવી સલાહ સયાજી હૉસ્પિટલના ડૉક્ટરે આપી છે.