વડોદરામાં મહી નદીમાંથી છ લાખ લોકોને પીળાશ પડતું ડહોળું પાણી અપાઈ રહ્યું છે
- પાણીમાં કેમિકલ, જંગલી વનસ્પતિ અથવા તો સુવરેજનું કોન્ટમીનેશન થયું હોવાની આશંકા
- પ્રદૂષણ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લીધા
- પાણી પીવા લાયક છે કે કેમ તેનો રિપોર્ટ જાહેર કરવા માગણી
વડોદરા,તા.04 નવેમ્બર 2023,શનિવાર
વડોદરા કોર્પોરેશનના પાણીના મુખ્ય સ્ત્રોત મહી નદી સ્થિત ફ્રેન્ચ કુવાઓમાંથી આશરે 6 લાખ લોકોને છેલ્લા ત્રણ દિવસથી લીલા અને પીળા રંગનું ડહોળું પાણી મળી રહ્યું છે . દિવાળીના દિવસોમાં આવું પાણી મળતા લોકોમાં બૂમ ઊઠી છે, અને ચોખ્ખું પાણી આપવા માંગ થઈ છે. વિરોધ પક્ષ કોંગ્રેસની રજૂઆતના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ મહી નદી ખાતે પહોંચ્યા હતા, અને પાણીના સેમ્પલ લીધા હતા.
કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વડોદરા સ્થિત પ્રાદેશિક અધિકારીને તેમજ બોર્ડના ચેરમેન, કોર્પોરેશનના કમિશનર અને મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે મહી નદી ખાતેના રાયકા અને દોડકા ફ્રેન્ચ કૂવામાંથી પીળાશ પડતું અને ડહોળું પાણી શહેરીજનોને આપવામાં આવી રહ્યું છે. આ પાણી કેમિકલના પ્રદૂષણથી અથવા તો નદીમાં ઊગી નીકળેલી વનસ્પતિ અથવા સુવરેજ ના પાણી છોડવાના કારણે દૂષિત થયું હોય તેવી ભીતિ છે. આવું પાણી લોકોને આપવું એ જોખમી અને આરોગ્યને નુકસાન કારક છે. જેથી આ સંદર્ભે તાત્કાલિક પગલાં લઈ પાણીમાં કેમિકલના કારણે દુષિત થયું હોય અથવા તો બીજા કોઈ કારણને લીધે ડહોળું થયું હોય તો તેની તપાસ કરીને તેનો રિપોર્ટ નાગરિકો સમક્ષ જાહેર કરવો જોઈએ. પ્રદૂષણ બોર્ડને અનુરોધ કરાયો હતો કે કોર્પોરેશન જરૂરી પગલાં લઈ વૈકલ્પિક પાણી પુરવઠાની વ્યવસ્થા કરે અને લોકોને ચોખ્ખું પાણી પૂરું પાડવા દિશા નિર્દેશ પણ આપે. દરમિયાનમાં કોંગ્રેસના નેતા મહી નદી સ્થિત ફ્રેન્ચ કૂવા ખાતે પહોંચ્યા હતા તેમની સાથે કોર્પોરેશનના અને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ પણ હતા. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે જે સુવાસ રહીત અને રંગવિહીન પ્રવાહી હોય તેને પાણી કહેવાય છે, પરંતુ આ તો પીળાશ પડતું લીલા રંગનું ન પી શકાય તેવું પાણી લોકોને અપાઈ રહ્યું છે. દેખીતી રીતે આવું પાણી પી ન શકાય.
પાણી ડાયરેક્ટ સપ્લાય કરવામાં આવે છે, માત્ર ક્લોરીનેશન કરાય છે, તેથી આ પાણી પીવા લાયક છે કે કેમ તેનું જસ્ટિફિકેશન પણ થવું જોઈએ. કોર્પોરેશનના કાર્યપાલક એન્જિનિયરએ પણ કહ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી આવી ફરિયાદ મળી છે. ગઈકાલે તમામ ટાંકીઓ ઉપર તપાસ કરતા પીળાશ પડતું પાણી મળ્યું હોવાનું જણાયું છે. સામાન્ય રીતે મહી નદીમાં આવું પાણી આવતું હોતું નથી, પરંતુ આ વખતે સોર્સ માંથી જ આવું પાણી આવે છે. પાણી વનસ્પતિના કારણે અથવા તો બીજા કોઈ કારણોસર પીળાશ પડતું થયું છે તે અંગેની તપાસ ચાલુ છે.