ડભોઇ રોડ પર દારૃના ધંધામાં થયેલી મીની ગેંગવોરમાં છ ઝડપાયા
વાહનોની તોડફોડ અને આગચંપીની કલમનો ઉમેરો : સામા પક્ષે પણ વળતી ફરિયાદ દાખલ
વડોદરા,વાડી પોલીસની રહેમ નજર હેઠળ વિસ્તારમાં દારૃનો ધંધો કરતા આરોપીઓ બેફામ બની ગયા છે. પોલીસનું પીઠબળ મળતા તેઓને કાયદાનો કોઇ ડર રહ્યો નથી. શનિવારે રાતે થયેલી મારામારીના બનાવમાં વાડી પોલીસે યોગ્ય કાર્યવાહી નહી ંકરતા છેવટે ડીસીપીને સક્રિય થવાનો વારો આવ્યો હતો. આજે ડીસીપીએ વાડી પોલીસ સ્ટેશન જઇ તપાસની બાગડોર સંભાળી લઇ વળતી ફરિયાદ લઇ છ આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ અગાઉની ફરિયાદમાં આગચંપીની કલમનો ઉમેરો કર્યો છે.
ડભોઇ રોડ પર શનિવારની રાતે દારૃના ધંધાની હરિફાઇમાં થયેલી મીની ગેંગવોરને સામાન્ય મારામારી બતાવી વાડી પોલીસે ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. ગાજરાવાડી સુવેઝ પમ્પિંગ રોડ પર રહેતા દેવેન્દ્ર ભાવસિંહભાઈ વણજારાએ વાડી પોલીસ સ્ટેશનમાં આતિશ ઠાકોર, શના ઠાકોર, રાજ ઠાકોર તથા હિતેશ સામે ફરિયાદ નોંધાવી હતી. જે બનાવમાં વાહનોની તોડફોડ થઇ હોવાછતાંય વાડી પોલીસે સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી કોઇ કલમ લગાવી નહતી. દારૃના ધંધાની બાતમી આપવાના મુદ્દે થયેલી ગેંગવોરને સામાન્ય મારામારીમાં ખપાવી દીધી હતી. આ મામલો બહાર આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ આજે વાડી પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. ડીસીપી લીના પાટિલે સમગ્ર ઘટનાને ધ્યાને લઇ આગચંપીની કલમનો ઉમેરો કરાવ્યો હતો. તેમજ શના ઠાકોરની ફરિયાદ લઇ હસમુખ ઉર્ફે બાબર, મયૂર ઉર્ફે વિક્કી, દેવેન્દ્ર તથા મેહુલ વણજારા સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બંને ફરિયાદમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં (૧) આતિશ વિનોદભાઇ ઠાકોર (૨) સંજય ઉર્ફે શના ઠાકોર (૩) રાજ ઉર્ફે ચનો ઠાકોર (૪) હિતેશ દિલીપભાઇ ખ્રિસ્તી (૫) મયૂર ઉર્ફે વિક્કી કનોજીયા તથા (૬) હસમુખ ઉર્ફે બાબર વણજારા નો સમાવેશ થાય છે.
વાડી પોલીસે ઉચ્ચ અધિકારીઓને પણ અંધારામાં રાખ્યા
વડોદરા,દારૃના ધંધાની હરિફાઇમાં ડભોઇ રોડ પર થયેલી મીની ગેંગવોરના બનાવ અંગે વાડી પોલીસે ઉચ્ચ અધિકારીઓને પણ અંધારામાં રાખ્યા હતા. ગેંગવોર જેવી ગંભીર ઘટનાને માત્ર સામાન્ય મારામારી હોવાનું જણાવ્યું હતું. તેમજ આગચંપીની વાત પણ છૂપાવી હતી. વાડી પોલીસની આવી કામગીરી તેઓની દારૃનો ધંધો કરતા આરોપીઓ સાથેની સાંઠગાંઠ હોવાની ચાડી ખાય છે. આવી કામગીરી કરનાર પોલીસ સ્ટાફ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી થાય તો ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારી કોઇ સ્ટાફ કરે નહીં.