મોડીરાતે ગેરેજ મિકેનિકને આંતરીને છ આરોપીઓએ હુમલો કર્યો
ચપ્પુના ઘા ઝીંક્યા : ટોળું ભેગું થતા હુમલાખોરો ભાગી છૂટયા
વડોદરા,ટુ વ્હીલરનું ગેરેજ ચલાવતા મિકેનિકને ગઇ મોડીરાતે છ હુમલાખોરોએ આંતરીને હુમલો કર્યો હતો. જે અંગે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે કાકા સાહેબના ટેકરા પર રહેતો ચિંતન સતિષભાઇ દેશમુખ ટુ વ્હીલરનું ગેરેજ ચલાવે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા મારા મામા દિલીપભાઇ યશવંતભાઇ સોનીની દીકરી વિધીએ દાંડિયા બજાર મરી માતાના ખાંચામાં રહેતા ચિરાગ મોહનસિંગ તવર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ગત ઉતરાયણમાં વિધીને ચિરાગ સાથે ઝઘડો થયો હતો. તે સમયે અમે તેઓને સમજાવવા ગયા હતા. ત્યારે અમારે બોલાચાલી થઇ હતી.ત્યારથી ચિરાગ મારી સાથે અદાવત રાખે છે. ગત તા. ૨૧ મી એ હું સિંધવાઇ માતા રોડ પર મારા ઘરે સૂવા માટે જતો હતો. રાજમહેલ રોડ કુંજ પ્લાઝાથી આગળ જતા ચિરાગના બે મિત્રો મને ઓવરટેક કરીને ગયા હતા. થોડે દૂર જઇને તેઓએ મને ઉભો રાખ્યો હતો.ચિરાગ તથા તેના મિત્રોએ મારી સાથે ઝપાઝપી શરૃ કરી હતી. હું બચવા માટે બાઇક છોડીને મોતી બાગ તોપ તરફ ભાગ્યો હતો. હુમલાખોરોએ મારો પીછો કરીને મને ફરીથી મોતી બાગ તોપ પાસે પકડી લીધો હતો. ચિરાગ અને તેના મિત્રો સમીર ઉર્ફે મચ્છર, દત્તુરામ જાદવ, આદર્શ શિંદે, આકાશ કાળે, મનિષ પટેલે મારા પર હુમલો કર્યો હતો.ગણેશે ચપ્પુ વડે મારા પર હુમલો કરી જમણા હાથે ઇજા પહોંચાડી હતી. મારા પિતાને જાણ થતા તેઓ પણ સ્થળ પર આવી ગયા હતા. તેમની પર પણ ચિરાગે હુમલો કર્યો હતો. દરમિયાન ટોળું ભેગું થઇ જતા હુમલાખોરો ભાગી છૂટયા હતા.