વડોદરાની રાજસ્થંભ સોસાયટીમાં ડ્રેનેજના પાણી ઘરમાં ઘૂસી જાય તેવી સ્થિતિ

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
વડોદરાની રાજસ્થંભ સોસાયટીમાં ડ્રેનેજના પાણી ઘરમાં ઘૂસી જાય તેવી સ્થિતિ 1 - image


- ડ્રેનેજ લાઈન પર બાંધકામ હોવાથી લાઇન સાફ નહીં કરી શકાતા ગંભીર પરિસ્થિતિ 

- કોર્પોરેશન પણ કાયમી નિકાલ લાવી શકતું નથી

વડોદરા,તા.30 નવેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં પોલો ગ્રાઉન્ડની સામે બગીખાના પાસે રાજસ્થંભ સોસાયટીમાં આશરે 18 મકાનમાં લોકોના કમ્પાઉન્ડની ચોકડીમાં ડ્રેનેજના પાણી ભરેલા જ રહે છે, ડ્રેનેજ લાઈન ચોક અપ હોવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે.

વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ કોર્પોરેશનના એન્જિનિયરિંગ શાખામાં આ અંગે રહીશોએ અવારનવાર રજૂઆતો કરી છે. આ સોસાયટીમાં બ્લોક નંબર 145 થી 162 સુધીના મકાનોના પાછળના ભાગે માર્જિનની જગ્યામાં કોન્ટ્રાક્ટર દ્વારા કોમન ડ્રેનેજ લાઈન નાખવામાં આવેલી છે. આ ડ્રેનેજ લાઈન વારંવાર ચોક અપ થઈ જાય છે. કોર્પોરેશનમાં જાણ કરવામાં આવતા કામગીરી થાય છે, પરંતુ ફરી પાછી એની એ જ સ્થિતિ ઊભી થાય છે. આ કોમન ડ્રેનેજ લાઈન ઉપર આગળ એક મકાનના રહીશ દ્વારા ડ્રેનેજ લાઈન ઉપર બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે પણ લાઈન ચોક થાય છે, ત્યારે આ બાંધકામના કારણે લાઈન સાફ કરી શકાતી નથી .આ ઉપરાંત રહીશ બહાર રહેતા હોવાથી લાઈન સંદર્ભે કોઈ કામગીરી થઈ શકતી નથી. ડ્રેનેજ લાઈન ના બાંધકામ અંગે તાત્કાલિક કાયમી નિકાલ લાવવા રજૂઆત કરવામાં આવી છે. ગટરના ગંધાતા પાણી લોકોની ચોકડીમાં સતત ભરેલા રહે છે. જેને લીધે લોકોને પાછળ રસોડાના ભાગે પણ તકલીફ પડે છે, અને પાણી ઘરમાં ઘૂસી જાય તેવી સ્થિતિ ઊભી થાય છે. ડ્રેનેજ લાઈન પર થયેલા બાંધકામ અંગે કોર્પોરેશનએ નોટિસ આપી છે પરંતુ આગળ કોઈ કાર્યવાહી થઈ નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News