આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, તંત્ર સજ્જ અને વિદ્યાર્થીઓ તૈયાર

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, તંત્ર સજ્જ અને વિદ્યાર્થીઓ તૈયાર 1 - image

Gujarat Board Exam : ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આજથી એટલે કે તા.૧૧ માર્ચ, સોમવારથી શરુ થનારી પરીક્ષાને લઈને તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થીઓ પણ પરીક્ષાને લઈને તૈયાર છે.

સુરતમાં ટ્રાફિકમાં ફસાઓ તો આ હેલ્પલાઇન નં. પર કરો કોલ

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં અટવાશે તો ટ્રાફિક પોલીસ તેની મદદ કરશે. આ માટે ટ્રાફિક શાખાના સર્કલ વાઈઝ ત્રણ-ત્રણ ટીમ તૈયાર કરાશે અને પરીક્ષા શરૂ થાય ત્યારે અને છૂટવાના સમયે અધિકારીઓ પેટ્રોલિંગ કરશે. આ માટે ટ્રાફિક હેલ્પલાઈન નં. 7434095555 પર પણ સંપર્ક કરી શકાશે.

૭૩ અનાથ વિદ્યાર્થીઓ પણ વડોદરામાં બોર્ડ પરીક્ષા આપશે

વડોદરામાંથી ૭૫૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા આપશે અને તેમાં માતા પિતાનો સહારો ના હોય તેવા ૭૩ અનાથ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. બીજા વિદ્યાર્થીઓ પાસે પરિવારની હૂંફ છે ત્યારે આ વિદ્યાર્થીઓ સરકારની અને સ્વૈચ્છિક સંસ્થાઓના આઠ શેલ્ટર હોમમાં  રહે છે અને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.આ વિદ્યાર્થીઓને ડીઈઓ કચેરી દ્વારા આજે  તેમના શેલ્ટર હોમમાં જઈને પરીક્ષાની કિટ પૂરી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જિલ્લામાં ધો.૧૦ માટે ૧૫૬  બિલ્ડિંગો જ્યારે ધો.૧૨ સાયન્સ અને કોમર્સ માટે ૧૦૭ બિલ્ડિંગો ફાળવવામાં આવ્યા છે.

કાલથી પ્રારંભ થતી બોર્ડની પરીક્ષા માટે ભાવનગરમાં તંત્ર સજ્જ

ભાવનગર જિલ્લામાં ધો.૧૦માં ૩૫૫૩૬ અને ધો.૧૨માં ૨૫૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે પરીક્ષા સમિતિ દ્વારા પણ લગત સૂચનાઓ જવાબદારોને અપાય છે. બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થઇ રહી છે જેના સુચારૂ સંચાલન માટે ધો.૧૦ના ત્રણ ઝોન કાર્યરત કરાયા છે જે અંતર્ગત જિલ્લાના ૨૭૦૬૭ રેગ્યુલર, ૫૫૭૯ રીપીટર, ૨૧૫૬ આઇસોલેટેડ એમ કુલ મળી ૩૫૫૩૬ વિદ્યાર્થી નોંધાવા પામ્યા છે. જેમાં ૨૦૫૭ ભાઇઓ તથા ૧૫૦૧૯ બહેનો પરીક્ષા આપશે. આ પરીક્ષાર્થી માટે શહેર જિલ્લાના કુલ ૧૩૦ બિલ્ડીંગના ૧૨૨૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૫૮૩૭ રેગ્યુલર, ૧૬૯૨ રીપીટર, ૧૩૮ આઇસોલેટેડ, ૧૫૬૦ ખાનગી નિયમિત, ૬૬૦ ખાનગી રીપીટર એમ કુલ મળી ૧૯૯૩૦ વિદ્યાર્થી નોંધાયા છે. તો ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં એ ગૃપમાં ૧૫૪૮ રેગ્યુલર, ૧૮૯ રીપીટર, બી ગૃપમાં ૪૩૧૫ રેગ્યુલર, ૪૬૫ રીપીટર એમ કુલ મળી ૬૫૧૭ વિદ્યાર્થી નોંધાવા પામ્યા હોવાનું જણાયું છે. આ પરીક્ષાર્થી માટે શહેર જિલ્લાના કુલ ૯૭ બિલ્ડીંગના ૯૨૩ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.



Google NewsGoogle News