સિરપકાંડના સૂત્રધાર નીતિન કોટવાણીનો હજી સુધી પત્તો નથી
વડોદરાના નીતિન અને ભાવેશના કુંટુંબીજનોની પૂછપરછ ઃ આશ્રયસ્થાનો પર તપાસ
વડોદરા, તા.3 ખેડાના બહુચર્ચિત સિરપકાંડનું પગેરૃં વડોદરા સુધી આવતાં નશીલી સિરપના સપ્લાયર નીતિન કોટવાણી અને ભાવેશ સાવકાણીને શોધવા માટે પોલીસ દોડતી થઇ હોવા છતાં હજુ સુધી તેનો પત્તો મળ્યો નથી. દરમિયાન શહેર પોલીસ કમિશનરે એક પીઆઇ સાથે ટીમની રચના કરી છે.
ખેડામાં પાંચ વ્યક્તિનો ભોગ લેનાર નશાકારક આર્યુવેદિક સિરપનો ઉત્પાદક વડોદરાના ગોરવા વિસ્તારમાં શિવશક્તિ ફ્લેટમાં રહેતો નીતિન કોટવાણી તેમજ ભાવેશ સાવકાણી હોવાની વિગતો બહાર આવી છે. નીતિન છેલ્લા કેટલાક સમયથી મુંબઇ ફરાર થઇ ગયો હોવાની વિગતો ખૂલ્યા બાદ પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર આગળ વધાર્યો છે.
ખેડાના કાંડમાં સિરપ સપ્લાય કરનાર નીતિન કોટવાણી નશાકારક સિરપ સહિતની વસ્તુઓ બનાવવામાં પાવરધો હોવાનું બહાર આવ્યું છે તેની સામે અગાઉ અનેક ગુના નોંધાયા છતાં પણ તેની આ પ્રવૃત્તિ ચાલી રહી છે. દરમિયાન તેની ધરપકડ માટે ક્રાઇમ બ્રાંચના એક પીઆઇની આગેવાનીમાં એક ટીમની રચના કરવામાં આવી છે. નીતિન અને ભાવેશના કુંટુંબીજનોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બંનેના આશ્રયસ્થાનો પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.