સરકારમાં સિંગલ વિન્ડો સિસ્ટમ હોય તો ૬ દિવસમાં નાનો ઉદ્યોગ શરુ થઈ શકે
વડોદરાઃ સરકારની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ નીતિના ભાગરુપે સિંગલ વિન્ડો સિસ્ટમ માત્ર મોટો ઉદ્યોગો માટે છે.નાના ઉદ્યોગો માટે પણ આ પ્રકારની સિંગલ વિંન્ડો સિસ્ટમ હોવી જોઈએ.જેનાથી ઉદ્યોગોની પરેશાની ઓછી થાય તેમ વડોદરાના ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રિઝના પ્રમુખ જયદીપ મોદીએ કહ્યુ હતુ.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, અત્યારે નાના ઉદ્યોગોને મંજૂરી માટે પંદર થી વીસ પ્રકારની ફાઈલો અલગ અલગ વિભાગમાં મંજૂર કરાવવી પડે છે અને કોઈ પણ નવા ઉદ્યોગોને શરુ થવામાં ૬ મહિનાનો સમય લાગી જાય છે.તેની જગ્યાએ સિંગલ વિન્ડો સિસ્ટમ હોય તો ૬ દિવસમાં નવો ઉદ્યોગ શરુ થઈ શકે છે.યુવા સાહસિકોને આકર્ષવા હોય તો સરકારે નાના ઉદ્યોગોની મુશ્કેલીઓ ઓછી કરવાની જરુર છે.સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, વડોદરામાં નાના ઉદ્યોગો તરફ યુવા સાહસિકો આકર્ષાઈ રહ્યા છે.ગત વર્ષે નવા ઉદ્યોગોમાં ૨૨ ટકાનો વધારો જોવા મળ્યો હતો.તેમણે કહ્યુ હતુ કે, ફેડરેશન દ્વારા નાના ઉદ્યોગો માટે એન્જિએક્સપો-૨૦૨૪...શિર્ષક હેઠળ એક મેગા એક્ઝિબિશનનુ આયોજન તા.૧૭ થી ૧૯ ફેબુ્રઆરી દરમિયાન આજવા રોડ પરના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ છે.જેમાં મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ઓટોમેટિવ તથા ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રના નાના ઉદ્યોગોને પોતાની પ્રોડક્ટસ રજૂ કરવાની અને નવા ગ્રાહકો મેળવવાની તક પ્રાપ્ત થશે.આ પ્રદર્શન પહેલા બે દિવસ માટે સવારે ૧૦ થી ૬ સુધી અને અંતિમ દિવસે ૧૦ થી ૫ સુધી ખુલ્લુ રહેશે.