ડભોઇના ભાજપના ધારાસભ્યના પેટ્રોલ પંપ પર સિકલીગર ટોળકી દ્વારા કર્મીઓ પર હુમલો કરી રૂ.90 હજારની લૂંટ
વડોદરા,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરાનાં ન્યુ વીઆઇપી રોડ પર આવેલા ધારાસભ્ય શૈલેશ સોટ્ટાના પેટ્રોલ પર લૂંટના ઇરાદે સિકલીગર સર્દર્જીની ટોળકી ધસી આવી હતી. નશો કરેલી સિકલીગરોને ગાળો નહી બોલવાનું કહેતા પંપના કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન ખુલ્લી તલવારો અને પાઇપો સાથે અન્ય બાઇકો પર સીકલીગરો ધસી આવ્યા હતા તેઓએ કર્મી, સુપરવાઇઝર તથા મેનેજરને માર માર્યો હતો. સુપરવાઇઝર પર લોખંડના રોડ તથા સોયાથી હુમલો કરી વકરાના 80થી 90 હજાર રૂપિયા લૂંટી લીધા હતા. પોલીસ આવતા ટોળુ એક બાઇક સ્થળ છોડી ભાગી ગયું હતું. પોલીસે ત્રણ સિકલીગરોની અટકાયત કરી હોવાનું પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યું છે.
શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ભરવાડ વાસમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ શોટ્ટાનો પેટ્રોલ પંપ આવેલો છે. દરમિયાન ગઇ કાલે મંગળવારે રાત્રીના સમયે બે બાઇક પર ચાર સિકલીગરો તેમના પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે પેટ્રોલ પંપ પુરાવવા માટે આવ્યા હતા અને પંપ પર ગાળા ગાળી કરતા હતા. જેથી ત્યાં કામ કરતા કર્મચારીએ અહિયા મહિલા કર્મીઓ પણ કામ કરે છે ગાળો ના બોલશો તેવું કહ્યું હતું. જેથી સિકલીગરો તેની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી પંપ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા વિશાલ રશ્મીકાંત છોડાવવા માટે વચ્ચે પડ્યાં હતા. જેથી તેઓ તેમની સામે ઝપાઝપી કરી તેઓએ ઉઘરાવેલા વકરાના 80 થી 90 હજાર રૂપિયા ઝુટવી લીધા હતા અને બાઇક લઇને ભગવાનો પ્રયાસ કરતા હતા જેથી સુપરવાઇઝરે ચાવી કાઢી લીધી હતી. દરમિયાન તેઓએ ફોન કરી તેમના સાગરીતો બોલવાતા 20-25 સિકલીગરો બાઇકો પર ખુલ્લી તલવારો અને પાઇપો સાથે ધસી આવ્યા હતા. જેની જાણ મેનેજર વિષ્ણુભાઇ મોટવાણીને તેઓ દોડી આવતા તમામ સિકલીગરોએ મેનેજર, સુપરવાઇઝર તથા કર્મચારીને માર માર્યો હતો. એકે તો લોખંડનો રોડ સુપરવાઇઝરના માથામાં મારી દીધો હતો. આજ તો તુજકો માર હી ડાલેગે, આજ તો તુ ગયા તેમ કહી હુમલો કર્યો હતો. દરમિયાન હરણી પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર દોડી આવી હતી. જેથી હુમલાખોર સિકલીગર ગેંગ ભાગી ગઇ હતી. પોલીસે 20-25 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરીને ત્રણ સિકલીગર ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.