એક મહિનાથી હોસ્પિટલના બિછાને પડેલી મહિલાનો આર્તનાદ, મારો પતિ બીજાની ખબર કાઢી જતો રહે છે
વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં એક મહિનાથી સારવાર લેતી મહિલાને ખરા સમયે મોં ફેરવી લેનાર નિષ્ઠુર પતિના વર્તનથી લાગી આવતાં અભયમની મદદ લીધી હતી.
ટીબીને કારણે મહિલાના ફેફસાં નબળાં પડી જતાં છેલ્લા એક મહિનાથી સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.તેની હાલત નાજુક હોવા છતાં ઉંમરલાયક માતા- પિતા મદદરૃપ થઇ સારવાર કરાવી રહ્યા છે.
મહિલાએ કહ્યું છે કે,મારો પતિ બે-ત્રણ વખત મળવા માટે આવ્યો હતો.જેથી તેને આવા સમયે સાથે રહેવા માટે કહેતાં તેણે અપમાનિત વર્તન કર્યું હતું અને તું મરી જઇશ તો પણ વાંધો નથી તેમ કહ્યું હતું.હોસ્પિટલમાં તે બીજાની ખબર કાઢવા આવે છે પણ મને મળ્યા વગર જ જતા રહે છે.
પતિના વ્યવહારથી દ્રવી ઉઠેલી મહિલાએ અભયમની મદદ લેતાં ટીમે પતિને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું.પતિએ કામ ધંધો કરી નાની બાળકીને સાચવતો હોવાથી ધ્યાન અપાતું નથી તેવું બહાનું કાઢ્યું હતું.પરંતુ કાઉન્સિલરે આવા સમયે દવાની સાથે હૂંફની જરૃર હોય છે તેમ કહી પતિને સમજાવતાં તે સેવા કરવા તૈયાર થયો હતો.