વરસતા વરસાદ વચ્ચે વડોદરાના મોંઘેરા મહેમાન ગણરાજે વિદાય લીધી

મોટાભાગની વિશાળ પ્રતિમાઓનું નવલખી કૃત્રિમ તળાવમાં વિસર્જન થયુ, ડી.જે.ના તાલ સાથે મોડી રાત સુધી વિસર્જન પ્રક્રિયા ચાલુ રહી

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
વરસતા વરસાદ વચ્ચે વડોદરાના મોંઘેરા મહેમાન ગણરાજે વિદાય લીધી 1 - image


વડોદરા : વડોદરાના  ભક્તોનું ૧૦ દિવસનું આતિથ્ય માણીને મોંઘેરા મહેમાન ગણરાજ ગણપતિ મહારાજે આજે વરસતા વરસાદ વચ્ચે વિદાય લીધી હતી. ગણપતિ બાપ્પા મોરિયા... અગલે બરસ તુ જલ્દી આ....ના નારા સાથે બાપાને વિદાય કરતી વખતે ભક્તો ભાવ વિભોર થયા હતા. મોડી રાત સુધી વિસર્જન પ્રક્રિયા ચાલુ રહી હતી. શાંતીપૂર્ણ રીતે વિસર્જન પુર્ણ થતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો.

ભાદરવા સુદ ચોથના દિવસે બાપાએ વડોદરામાં પધરામણી કરી હતી. યુવક મંડળો દ્વારા સ્થાપિત વિશાળ પ્રતિમાઓથી લઇને ઘરમાં થતી સ્થાપના મળીને આશરે ૧૦ હજાર કરતા વધુ પ્રતિમાઓની સ્થાપના થઇ હતી. ભક્તોએ ૧૦ દિવસ સુધી શ્રીજીની સ્તુતિ પ્રાર્થનાઓ કરીને ભોગ ધરાવ્યા હતા અને આશીર્વાદની આકાંક્ષા કરી હતી. આજે ૧૦ દિવસ દિવસના અંતે બાપાના વિદાયની ઘડી આવી પહોંચી હતી.

વરસતા વરસાદ વચ્ચે વડોદરાના મોંઘેરા મહેમાન ગણરાજે વિદાય લીધી 2 - image

આમ તો સ્થાપનાના દોઢ દિવસે, ત્રીજા દિવસે, પાંચમાં દિવસે અને સાતમાં દિવસે પણ વિસર્જન થતુ હોય છે પરંતુ મોટાભાગના ગણેશ મંડળો-યુવક મંડળો ૧૦માં દિવસે જ વિસર્જન કરે છે. પોલીસે આપેલા ટાઇમ ટેબલ મુજબ આજે સવારથી જ વિસર્જન સવારીઓનો પ્રારંભ થઇ ગયો હતો. ખાસ કરીને ચાર દરવાજા વિસ્તારના ગણેશ મંડળોના શ્રીજીનું આકર્ષણ ખુબ હોય છે જેમાં કાલુપુરાના, ભાઇજી દરોગાની પોળના, લાડવાડાના અને પ્રતાપ મડઘાની પોળના શ્રીજીનો સમાવેશ થાય છે. 

વરસતા વરસાદ વચ્ચે વડોદરાના મોંઘેરા મહેમાન ગણરાજે વિદાય લીધી 3 - image

શ્રીજીની વિસર્જન સવારી વખતે જ મોડી સાંજે ગોત્રી, ગોરવા, વાસણારોડ, નવલખી મેદાન અને ચાર દરવાજા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા ભક્તોનો ઉત્સાહ પણ બમણો થયો હતો અને વરસતા વરસાદ વચ્ચે ભગવા ઝંડાઓ લહેરાવતા લહેરાવતા અને ડીજેના તાલે ઝુમતા ઝુમતા વિસર્જન કર્યુ હતું. મોટાભાગની વિશાળ પ્રતિમાઓનું આજે નવલખી કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યુ હતું.

નવલખીમાં સ્ટેજ તુટતા મહિલાને ઇજા

નવલખી મેદાન ખાતે તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીવીઆઇપી માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યુ હતું આ સ્ટેજ આજે વિસર્જન પ્રક્રિયા દરમિયાન મોડી સાંજે અચાનક તુટી પડતા મહિલાને ઇજા થઇ હતી. સ્ટેજ તુટવાની ઘટનાને પગલે અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો. 

મહેતાપોળની સવારીએ આકર્ષણ જમાવ્યુ

દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેતાપોળના ગપણતિની વિસર્જન સવારીએ આકર્ષણ જમાવ્યુ હતું. સવારીમાં ચંદ્રયાનની સફળતાનો ફ્લોટ બનાવ્યો હતો જેમાં સુત્ર લખવામાં આવ્યુ હતું કે ...

જલી કો આગ કહેતે હૈ, બુઝી કો રાખ કહેતે હૈ.

ઉતારે જો ચાંદ પર ચંદ્રયાન ઉસે સેમનાથ કહેતે હૈ.

આ ઉપરાંત યોગી અને મોદીના પુતળાઓ અને દેવી દેવતાઓના રૃપમાં બાળકોની વેશભૂષા પણ આકર્ષક હતા

કૃત્રિમ તળાવ ખાતે ૧૧ ક્રેનો ગોઠવવામાં આવી હતી

વિસર્જન પ્રક્રિયા સરળ અને ઝડપી બને તે માટે આ વખતે નવલખી કૃત્રિમ તળાવ ખાતે ૧૧ ક્રેનો ગોઠવવામાં આવી હતી અને તળાવમાં સંખ્યાબંધ તરાપા રાખવામા આવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી વિસર્જન પ્રક્રિયા દરમિયાન સ્ટેજ તુટી પડવા સિવાય અન્ય કોઇ દુર્ઘટના નોંધાઇ નહતી અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયુ હતું


Google NewsGoogle News