શહેરના બજારોમાં દિવાળીની ખરીદી માટે અભૂતપૂર્વ ઘરાકી

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
શહેરના બજારોમાં દિવાળીની ખરીદી માટે અભૂતપૂર્વ ઘરાકી 1 - image

વડોદરાઃ દિવાળી પર્વ પહેલા બજારોમાં અભૂતપૂર્વ ઘરાકી જોવા મળી રહી છે.દિવાળીની ખરીદીના કારણે શહેરના અર્થતંત્રમાં ભારે તેજી જોવા મળી રહી છે.કોરોનાકાળ બાદ આ પ્રકારની ઘરાકી પહેલી વખત જોવા મળી રહી છે તેવુ શહેરના વેપારીઓનુ કહેવુ છે.

રવિવારે દિવાળીની ઉજવણી થશે અને તે પહેલા વાઘબારસ, ધનતેરસ અને કાળીચૌદશ પર્વ પણ ઉજવાશે.આમ હવે દિવાળી પર્વનુ કાઉન્ટડાઉન શરુ થઈ ગયુ હોવાથી અને લોકોને બોનસની વહેંચણી પણ થઈ રહી હોવાથી બજારોમાં ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં મંગળબજાર, નવા બજાર, ન્યાય મંદિર, એમજીરોડ પર અને રાવપુરા રોડ પરની દુકાનોમાં ભારે ગીરદી જામી રહી છે.કપડા, મીઠાઈ, લાઈટો સહિત તમામ વસ્તુઓની ખરીદી માટે ધસારાના કારણે દુકાનો પણ મોડી રાત સુધી ખુલ્લી રહેવા માંડી છે.શહેરના  વિવિધ મોલમાં પણ શો રુમોમાં લોકો મન મુકીને ખરીદી કરી રહ્યા છે.

લોકોના ધસારાના  કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે.પથારાવાળાઓની સંખ્યામાં વધારો થયો હોવાના કારણે આ વિસ્તારમાં વાહન ચલાવવુ પણ વિકટ બને તેવી સ્થિતિ છે.ટ્રાફિક જામની સાથે સાથે ચાર દરવાજા વિસ્તારમાં વાહનોના ધૂમાડાના કારણે પ્રદૂષણની સમસ્યા પણ વકરી રહી છે.ખાસ કરીને રીક્ષાઓમાંથી નીકળતા સફેદ ધૂમાડાના ગોટે ગોટાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.પ્રદૂષણના ધારાધોરણોનો ભંગ કરનારા રીક્ષા ચાલકો સામે પોલીસ આંખા આડા કાન કરી રહી છે.



Google NewsGoogle News