વરસાદના વિરામ બાદ ચણિયા ચોળી ઘરેણાંની ખરીદી માટે ભીડ ઉમટી
વડોદરાઃ વડોદરામાં રવિવારે બપોરે ૧૨ થી ચાર દરમિયાન પડેલા સાંબેલાધાર વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું હતું.નવરાત્રી પર્વ પહેલાનો છેલ્લો રવિવાર હોવાથી લોકો ચણિયા ચોળીની ખરીદી માટે ઉમટી પડશે તેવી આશા રખાતી હતી પણ વરસાદના કારણે ઘરાકી ઝીરો થઈ જતા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડે તેમ હતુ.
જોકે વરસાદે ખરા સમયે જ વિરામ લીધા બાદ હવે લોકોને નવરાત્રી થશે તેવી આશા જાગી છે અને તેના કારણે આજે બજારમાં અને ખાસ કરીને નવરાત્રીને લગતી ખરીદી માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો.ચણિયા ચોળી, ઝભ્ભા, દાગીના અને બીજી વસ્તુઓની ખરીદી માટે દુકાનો પર અને ખાસ કરીને ચણિયા ચોળીના મોટા માર્કેટ ગણાતા નવા બજાર વિસ્તારમાં ભારે ભીડ જામી હતી.જેના પગલે દુકાનો પણ મોડી રાત સુધી ખુલ્લી રહી હતી.ઘરાકી જોઈને વેપારીઓના જીવમાં જીવ આવ્યો હતો.
ખાસ કરીને નવરાત્રી પર્વના આડે હવે એક જ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે વરસાદનો વિરામ રહેશે તો આવતીકાલે પણ આ જ પ્રકારે લોકો ખરીદી કરશે તેવુ મનાઈ રહ્યું છે.રવિવારના વરસાદ અને એ પછી પૂરના જોખમને જોતા એવું મનાતું હતું કે, ચણીયા ચોળીનો ૫૦ ટકા સ્ટોક વેચાયા વગરનો પડી રહેશે.હવે એ સ્થિતિ નથી રહી.
વરસાદ નહીં પડે તો ચોથા-પાંચમા નોરતા સુધી ખરીદી રહેશે
ચણીયા ચોળીના વેપારી રામભાઈ લાલવાણીનું કહેવું છે કે, રવિવારની ઘરાકી અલગ હોય છે.આમ છતા અત્યારે વેપારીઓને ચણિયા ચોળીના આ વર્ષના સ્ટોકનો નીકાલ કરવાનો મોકો મળ્યો છે.આજે ઘરાકી સારી છે.જો વરસાદ નહીં પડે અને રાબેતા મુજબ ગરબા રમાશે તો લોકો ચોથા-પાંચમા નોરતા સુધી ચણિયા ચોળીની ખરીદી કરવા માટે આવશે.આમ છતાં એક સપ્તાહ સુધી રહેલા વરસાદી માહોલના કારણે ગત વર્ષ જેટલુ તો વેચાણ નહીં થાય