વડોદરામાં મંગળબજાર, નવાબજારમાં દબાણ શાખાની કામગીરી સામે પથારાવાળાએ ધંધા બંધ કરી વિરોધ કર્યો : એક ટ્રક માલ સામાન કબજે
વડોદરા,તા.30 ઓક્ટોબર 2023,સોમવાર
માતાજીના ગરબા મહોત્સવ પૂર્ણ થતા જ દિવાળી નવા વર્ષના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે મંગળ બજાર, નવા બજાર અને લહેરીપુરા દરવાજા વિસ્તારમાં ગેરકાયદે લારી ગલ્લા પથારા રાખીને દબાણો કરીને વેપાર ધંધો કરનારાઓનો રાફડો ફાટ્યો છે જ્યારે બીજી બાજુ મંગળ બજારમાં બંને સાઈડના દુકાનદારો અડધા રસ્તા સુધી ગેરકાયદે લટકણીયા લટકાવીને રાહદારીઓને અડચણરૂપ થાય એવી રીતે વેપાર ધંધો કરી રહ્યા છે ત્યારે ત્રાટકેલી પાલિકાની દબાણ શાખાએ આવા તમામ દુકાનદારોને તેમની દુકાનના લટકણીયા હટાવડાવીને એક ટ્રક જેટલો જેટલો માલ સામાન કબજે કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો.
આ ઉપરાંત વિસ્તારમાં લાગતા ગેરકાયદે લારી ગલ્લા પથારાવાળાઓને પણ મંગળ બજારમાંથી ખસેડી દેતા આવા લારી ગલ્લા પથારાવાળાઓની જાણે કે દિવાળી બગડી હોય એવો માહોલ સર્જાયો છે. પરિણામે તંત્રની કાર્યવાહીથી નારાજ લારી ગલ્લા પથારાવાળા અને દુકાનદારોએ પોતાના વેપાર ધંધા બંધ કરીને દુકાનોના શટર પાડી દીધા હતા અને પથારાવાળાઓએ વેપાર ધંધો બંધ કરી દીધો હતો પરિણામે મંગળ બજારમાં સન્નાટો ફેલાઈ જતા વાતાવરણ ગરમાયું હતું. જેથી પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળ બજારમાં એક તરફ લારી ગલ્લા પથારાવાળાઓનું ભારે દુષણ છે ગેરકાયદે લારી ગલ્લા પથારા લગાવીને આ તમામ લોકો મોટાભાગનો રસ્તો રોકી લેતા રાહદારીઓને ચાલવાની પણ જગ્યા રહેતી નથી. એવા ટાણે ગુનેગારોને આ વિસ્તારમાં છૂટો દોર મળી રહે છે.
આ ઉપરાંત તમામ દુકાનદારો પોતપોતાની બંને સાઈડની દુકાનો આગળ અડધો રસ્તો રોકાઈ જાય એટલી જગ્યાએ દુકાનની બંને સાઈડે ગેરકાયદે લટકણીયા લટકાવીને ટ્રાફિકને અડચણરૂપ પોતપોતાનો સરસામાન લટકાવી રાખતા હતા.
આ તમામ દુકાનદારોના ગેરકાયદે લટકણીયા અંગે આજે વહેલી સવારથી જ પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ આ વિસ્તારમાં ત્રાટકી હતી અને તમામ દુકાનદારોને પોતપોતાના લટકણીયા, શેડ ખસેડી લેવા ચીમકી આપી હતી. ઉપરાંત કેટલાક દુકાનદારોનો માલ સામાન પણ પાલિકાની દબાણ શાખાએ કબજે લીધો હતો. જેથી નારાજ દુકાનદારો અને લારી ગલ્લા પથારા વાળો એ પોતપોતાના ધંધા બંધ કરી દીધા હતા ને દુકાનના શટરો પાડી તંત્ર સામે રોષ વ્યક્ત હતો મંગળ બજારના તો બંધ થઈ જતા સોંપો પડી ગયો હતો પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા ચાપ તો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
જ્યારે બીજી બાજુ દબાણ શાખાની ટીમે હરણી એરપોર્ટ થી ગોલ્ડન ચોકડી સુધીના રસ્તે ગેરકાયદે થયેલા હંગામી દબાણો ખસેડી દીધા હતા.