કંપનીમાં કામ કર્યાના બોગસ એક્સપિરિઅન્સ સર્ટિનો ભાવ 5000 થી 20000..ગોરવાનો વેપારી ઝડપાયો
વડોદરાઃ દેશ કે વિદેશમાં ચાલે તેવું બોગસ એક્સપિરિઅન્સ સર્ટિફિકેટ આપવાનું કૌભાંડ આચરતા ગોરવાના એક દુકાનદારને પોલીસે ઝડપી પાડી કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજો કબજે કર્યા છે.
ગોરવા બીઆઇડીસીમાં ગોલ્ડન પ્રિન્ટર્સ નામની દુકાન ધરાવતો ભેજાબાજ કંપનીઓમાં કામ કર્યાનું જેવું જોઇએ તેવું એક્સપિરિઅન્સ સર્ટિફિકેટ બનાવી આપતો હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.
પોલીસની તપાસમાં દુકાનદાર નયન દેવેન્દ્રપ્રસાદ ભટ્ટ(બરોડા સ્કાય ફ્લેટ, આઇટીઆઇ નજીક,ગોરવા)પાસે જુદીજુદી ૧૯ કંપનીઓના લેટરપેડ મળી આવ્યા હતા. દુકાનદાર પાસે કોઇ વ્યક્તિ એક્સપિરિઅન્સ સર્ટિફિકેટની ઝેરોક્ષ કઢાવવા આવે તો તેની કલર પ્રિન્ટ પણ કાઢી લેતો હતો અને તેને પીડીએફમાં લઇ વર્ડ ફાઇલમાં કન્વર્ટ કરીને સુધારા વધારા કરી લોકોને નવા સર્ટિફિકેટ બનાવી આપતો હતો.પોતે કોઇ પણ કંપનીનો ઓથોરાઇઝ પરસન નહિં હોવા છતાં સિક્કા મારી સહી કરી આપતો હતો.
આ ઉપરાંત તેણે ઓનલાઇન પણ આ રીતે સર્ટિફિકેટ બનાવ્યા હોવાનું પોલીસ માની રહી છે.પોલીસ કોમ્પ્યુટર કબજે કરી વધુ તપાસ માટે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લેનાર છે.પોલીસ તપાસમાં દુકાનદાર જે પ્રકારનું સર્ટિફિકેટ હોય તેવો રૃ.૫ થી ૨૦ હજાર સુધીનો ભાવ લેતો હોવાની પણ વિગતો ખૂલી હતી.
પોલીસે મોકલેલા ડમી ગ્રાહકે કહ્યું,મારે ફોરેન માટે ફિટરના પાંચ વર્ષના સર્ટિ જોઇએછે
દુકાનદારે રૃ.૧૦,૦૦૦માં પાંચ ત્રણ સર્ટિફિકેટ બનાવી આપતાં જ પોલીસે પકડ્યો
ગોરવાના દુકાનદારને પકડવા માટે પોલીસે ડમી ગ્રાહક મોકલીને ખેલ પાડયો હતો.
પોલીસે મોકલેલા ડમી ગ્રાહકે દુકાનદાર નયન ભટ્ટ પાસે જઇ વિદેશમાં નોકરી કરવા માટે ફિટરના એક્સપિરિઅન્સના ત્રણ સર્ટિફિકેટ માંગ્યા હતા.જ ેપેટે રૃ.૧૦ હજાર નક્કી કરવામાં આવ્યા હતા.
દુકાનદારે ડમી ગ્રાહકને વર્ષ-૨૦૨૦ થી ૨૦૨૪ સુધીના પાંચ વર્ષના અનુભવના સર્ટિફિકેટ બનાવી આપ્યા હતા.જેથી તેણે પોલીસને ઇશારો કરતાં જ પોલીસે દુકાનદારને પકડી લીધો હતો.