વડોદરામાં પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાના મુદ્દે બંધ પાળ્યો : વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા
વડોદરા,તા.15 માર્ચ 2024,શુક્રવાર
વડોદરા શહેરની હેરિટેજ સિટીની ઓળખ પુનઃ સ્થાપિત કરવાના ભાગરૂપે ન્યાય મંદિર પાસે આવેલી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો નિર્ણય વેપારીઓ સાથે મળીને કરવામાં આવ્યો હતો તે બાદ આજે આખરી નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ કરવાની છે ત્યારે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ કાયમી વૈકલ્પિક જગ્યા જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી પદ્માવતી શોપિંગ સેન્ટર નહીં તોડવાની માંગણી સાથે આજે તમામ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
વડોદરાની આગવી હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરવા ટીમ વડોદરાના પેટર્ન મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને પ્રણેતા વિધાનસભાના દંડક બાળુ શુક્લએ પ્રયત્ન શરૂ કર્યા છે. જેના ભાગરૂપે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં તમામ વેપારીઓએ સહમતિ દાખવી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્યો, સંસદ સભ્ય, કોર્પોરેશનના પદાધિકારીઓ અને પક્ષના હોદ્દેદારોની મોટી સંકલન સમિતિમાં સકારાત્મક નિર્ણય થશે તેમ જાણવા મળે છે.
વડોદરાના સુરસાગર તળાવ થી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી અને હેરિટેજ વડોદરાની પુનઃ ઓળખ થાય તે માટે તજજ્ઞોની સાથે પરીસંવાદ યોજીને ટીમ વડોદરાના પેટર્ન સમરજીત સિંહ ગાયકવાડ વિધાનસભાના દંડક બાળુ શુક્લા અને તજજ્ઞોએ હેરીટેજ વોક કરીને સમગ્ર પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. જેમાં નડતરરૂપ વર્ષો જૂની જર્જરીત થઈ ગયેલી પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવવા માં આવે તેવા સૂચનો પણ થયા હતા. જે બાદ તાજેતરમાં વિધાનસભાના દંડક એ પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે એક સંયુક્ત બેઠક યોજી હતી અને તમામ વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની ખાતરી આપી હતી.
કારેલીબાગ અને ફતેગંજને જોડતા વિશ્વામિત્રી નદી પરના બ્રિજની બાજુમાં કચરા કેન્દ્ર વાળી જગ્યામાં કોર્પોરેશન નવું માળવી ઇમારત બનશે જેમાં આ વેપારીઓને જગ્યાની ફાળવણી કરવામાં આવશે, એટલું જ નહીં આ બહુમાળી ઇમારત તૈયાર થાય તે પૂર્વે હંગામી ધોરણે શેડ ઉભા કરી વેપારીઓને વ્યાપાર ધંધા માટે સુવિધા કરી આપવામાં આવશે. આ અંગે ભાજપની મોટી સંકલન સમિતિમાં આખરી નિર્ણય લેવામાં આવશે.
દરમિયાનમાં આજે પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની હિલચાલ સામે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ ઈમારતને તોડતા પહેલા કારેલીબાગમાં જ્યાં બહુમાળી ઈમારત બાંધવાની વાત કરે છે તે ઇમારત બંધાઈ જાય અને ત્યાં જગ્યા ફાળવવામાં આવે ત્યાં સુધી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવું નહીં તેવી માંગણી સાથે તમામ દુકાનદારોએ બંધ પાડ્યો હતો.
આશરે 235 જેટલી દુકાનો પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી છે. જે દુકાનોમાં નાનો મોટો વેપાર કરતા વેપારીઓના પરિવાર દુકાનમાં થતા વ્યાપાર પર જ નભે છે. જોકે વેપારીઓને તેઓની દુકાનના બદલે બીજી દુકાનો આપવાની પાલિકાએ કોઈ લેખિત ખાતરી આપી નથી. પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવું કે નહીં તે અંગે આજે ભાજપની સંકલન સમિતિ મળવાની છે ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે પોતાની રજૂઆત કરવા પહોંચી ગયા હતા.