વિદેશ મોકલવા માટે અનેક લોકો સાથે ઠગાઇ મહેસાણામાં રૃા.૬૨ લાખની છેતરપિંડી કરનાર સોખડાનો ભાવેશ ઝડપાયો
ઓસ્ટ્રેલિયા, યુકે, અમેરિકા અને કેનેડા મોકલવાના બહાને લોકો પાસેથી લાખો રૃપિયા પડાવ્યા
વડોદરા, તા.22 ઓસ્ટ્રેલિયા, યુકે તેમજ કેનેડા અને અમેરિકા મોકલવાના બહાને લાખો રૃપિયાની ઠગાઇ કરનાર તેમજ બહુનામધારી વડોદરા જિલ્લાના સોખડામાં રહેતા મહાઠગ ભાવેશ વાળંદની મંજુસર પોલીસે ધરપકડ કરી છે. મહેસાણાના રૃા.૬૨ લાખના ગુનામાં તેમજ ચેક રિટર્નના કેસમાં થયેલી સજાના ગુનામાં તેની ધરપકડ કરી જેલમાં મોકલી દેવાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગરમાં રહેતી ડિમ્પલબા ધવલસિંહ ગોલ વિઝા કન્સલ્ટિંગનું કામ કરે છે. તેઓ દુબઇ ગયા હતા ત્યારે આલમ નજરા સાથે સંપર્ક થયો હતો અને તેમણે ડિમ્પલબાને ગુજરાતમાં કામ કરવું હોય તો ગુજરાતમાં સાંઇ ઓવરસિઝ ચલાવતો મારો મિત્ર છે તેમ કહી તેની સાથે વાત કરાવી હતી. બાદમાં વિદેશ જવા ઇચ્છુકો પાસેથી પૈસા મેળવીને સાંઇ ઓવરસિઝને કામ આપ્યું હતું. જો કે કોઇને કોઇ બહાના બતાવી ત્રણ ભેજાબાજો પૈસા પડાવતા હતાં અને મહેસાણાના માલ ગોડાઉનમાં એમ.આર. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં રૃા.૬૨ લાખ જમા કરાવવાનું કહ્યું હતું. પરંતુ બાદમાં પોતે છેતરપિંડીનો ભોગ બની છે તેની જાણ થતાં ડિમ્પલબાએ મહેસાણા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી માસમાં ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં સન્ની ઉર્ફે શૈલેષ પટેલ, જયેશ રાજપુત અને યશ પટેલ સામે ફરિયાદ થઇ હતી.
પોલીસ તપાસ દરમિયાન જયેશ રાજપુત નામ બોગસ હતું પરંતુ તેનું નામ ભાવેશ ઘનશ્યામ વાળંદ (રહે.રામજી મંદિર પાસે, સોખડા) જાણવા મળ્યું હતું જેથી પોલીસ તેને શોધતી હતી. આ અંગે વડોદરા જિલ્લા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન ભાવેશ વાળંદ દુમાડ ચોકડી પાસે આવવાનો છે તેવી માહિતીના આધારે મંજુસર પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે ચેક રિટર્નના કેસમાં તેને મહેસાણા કોર્ટમાં સજા થઇ હતી અને તેની વિરુધ્ધ સજા વોરંટ પણ ઇસ્યૂ થયું હતું જેથી તેને મહેસાણા સબ જેલમાં સોંપી દેવામાં આવ્યો હતો.