Get The App

વડોદરામાંથી ઈએમઈ સ્કૂલ ખસેડવાનો નિર્ણય સેના અને દેશના હિતમાં પણ નથી

Updated: Dec 21st, 2020


Google NewsGoogle News
વડોદરામાંથી ઈએમઈ સ્કૂલ ખસેડવાનો નિર્ણય સેના અને દેશના હિતમાં પણ નથી 1 - image

વડોદરા,તા.20.ડિસેમ્બર,રવિવાર,2020

વડોદરા શહેરમાંથી ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલનુ સ્થળાંતર કરવાનો નિર્ણય વડોદરા અને ગુજરાતના જ નહીં પણ દેશના હિતમાં પણ નથી તેમ વડોદરાની ઈએમઈ સ્કૂલના નિવૃત્ત કમાન્ડન્ટ અને મેજર જનરલ કે.ઈશ્વરનનુ કહેવુ છે.

૨૦૧૫ થી ૨૦૧૭ સુધી વડોદરાની ઈએમઈ સ્કૂલના કમાન્ડન્ટ રહી ચુકેલા ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી કે.ઈશ્વરન હાલમાં હૈદ્રાબાદ નજીક સિકંદરાબાદમાં રહે છે.તેમણે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, વડોદરામાં દાયકાઓની મહેનત બાદ  ઈએમઈ સ્કૂલ સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ  ચુકી છે.આ સ્ટેજ પર પહોંચતા ૫૭ વર્ષ લાગ્યા છે..અહીંયા સેનાના અત્યાધુનિક હથિયારોનુ અને વાહનોના સમારકામ અને દેખરેખની ટ્રેનિંગ આપવામાં આવે છે.અહીંથી તાલીમ લેનારા જવાનો અને અધિકારીઓ સરહદ પર જ્યાં પણ સેના તૈનાત હોય છે ત્યાં જઈને ફરજ બજાવતા હોય છે.ડિપ્લોમાથી લઈને એમટેકની ડિગ્રી આપતી આ ભારતીય સેનાની દેશની એક માત્ર એન્જિનયરિંગ કોલેજ  છે.જો ઈએમઈ સ્કૂલનુ અહીંથી સ્થળાંતર કરાયુ તો અહીંયા ડેવલપ કરાયેલુ ૬૦૦ કરોડ રુપિયાનુ માળખુ નકામુ થઈ જશે અને આજ પ્રકારની સ્કૂલ સિકંદરાબાદ ખાતે ડેવલપ કરવામાં  બહુ જોર લગાવે  તો પણ ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ વર્ષ  લાગી જશે.આ દરમિયાન એન્જિનિયરિંગ બ્રાન્ચને અપાતી ટ્રેનિંગને ફટકો પડશે.વડોદરામાંથી સ્કૂલ ખસેડવાનો નિર્ણય એક મજાક સમાન છે.કોઈએ આ નિર્ણય લેવામાં મગજ નામની વસ્તુ વાપરી જ નથી.તેમણે કહ્યુ હતુ કે, ભારતનો પાકિસ્તાન સાથે તો ટકરાવ છે જ.હવે ચીન સાથે પણ સંઘર્ષની સ્થિતિ છે.સેના નવા હથિયારો ખરીદી રહી છે.તો આ હથિયારોના સમારકામ માટે ટેકનિકલ સપોર્ટની જરુર પણ પડવાની છે.આ સંજોગોમાં સિકંદરાબાદ ખાતે ફરી નવા બિલ્ડિંગ બનાવવા પડશે.જો સ્કૂલ અહીંથી શિફ્ટ થશે તો ટેકનિકલ સ્ટાફની ટ્રેનિંગ ઘોંચમાં પડશે.આગામી ૧૦ -૧૨ વર્ષ સુધી તાલીમ પામેલા નવા જવાનો અને ઓફિસરો સેનાને આપવામાં તકલીફ પડશે.તેનાથી આર્મીની સાથે દેશને પણ નુકસાન થશે.કોઈ પણ દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો સ્કૂલ ખસેડવાનો નિર્ણય યોગ્ય લાગતો નથી.

છેલ્લા ૧૦ વર્ષથી ઈએમઈનુ કદ ઘટાડવાની કવાયત 

નિવૃત્ત મેજર જનરલ કે.ઈશ્વરને કહ્યુ હતુ કે, સેનાને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડતી ઈએમઈ બ્રાન્ચનુ  કદ ઘટાડવાની કવાયત છેલ્લા ૧૦ વર્ષથી ચાલી રહી છે.જેની પાછળનો ઈરાદો મેનપાવર ઘટાડવાનો છે.આર્મીના સિવિલયન વાહનો રિપેર કરવા માટે વડોદરા ઈએમઈનુ સ્ટેશન વર્કશોપ પણ બંધ કરી દેવામાં આવ્યુ છે.હવે આ વાહનો બહારના ગેરેજમાં રિપેર કરવામાં આવી રહ્યા છે.જોકે તેનાથી એક તકલીફ એ થઈ રહી છે કે,આર્મીના પોતાના વર્કશોપમાં સિવિલિયન વાહનોનુ ઈમરજન્સી રિપેરિંગ થઈ શકતુ હતુ તે હવે શક્ય રહ્યુ નથી.એવુ લાગે છે કે, ઉપરના સ્તરે અહમની લડાઈમાં ઈએમઈને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.

૨૦૦૧ના ભૂકંપમાં ઈએમઈની ટીમ તરત જ કચ્છ દોડી ગઈ હતી 

કે.ઈશ્વરનના કહેવા પ્રમાણે વડોદરા અને ગુજરાત માટે ઈએમઈ સ્કૂલ આફતના સમયે આશીર્વાદ સમાન છે.પૂર જેવી કુદરતી હોનારતો અને કોમી તોફાનો સમયે ઈએમઈના ૨૦૦૦ જેટલા જવાનો અને અધિકારીઓની મદદ ગણતરીની મિનિટોમાં ઉપલબ્ધ થઈ શકે છે.૨૦૦૧માં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે રાહત કામ માટે ઈએમઈની ટીમો ગણતરીના કલાકોમાં પહોંચી ગઈ હતી.ઉપરાંત ગુજરાતીઓ માટે સેનામાં જોડાવાનો આ એક પ્રેરણા સ્ત્રોત પણ છે.

સરકાર બિલ્ડરોને જમીન વેચી દે તો વડોદરાના ફેફસા ખતમ થઈ જશે

કે.ઈશ્વરને કહ્યુ હતુ કે, ઈએમઈ સ્કૂલના સ્થળાંતર પછી અહીંયા ખાલી પડનારી જમીનનુ શું થશે અને તે અંગે શું નિર્ણય લેવાયો છે તે મને ખબર નથી.ભૂતકાળમાં આર્મી હેડક્વાર્ટરમાં જમીન વેચીને તેમાંથી મળનારી રકમમાંથી હથિયારો ખરીદવાની ચર્ચાઓ થયેલી છે.કદાચ એવુ પણ બને કે સરકારના બીજા વિભાગોને જમીન આપી દેવામાં આવે.પણ ે જો સ્કૂલ ખાલી પડયા બાદ આ જમીન બિલ્ડરોને વેચાઈ ગઈ તો વડોદરાના ફેફસા ખતમ થઈ જશે.કારણકે વડોદરા માટે ઈએમઈ કેમ્પસની હરિયાળી એક રાહત સમાન છે.

વહેલા-મોડા પણ ઈએમઈ સ્કૂલ ખસેડવાનો નિર્ણય પાછો ખેંચાશે 

ભૂતકાળમાં પણ આડેધડ નિર્ણય લેવાયા પછી  પુનઃવિચારણા કરવી પડી હોય તેવુ પહેલા પણ બન્યુ છે.સિકંદરાબાદ કેન્ટોનમેન્ટના ગેટ રાતના સમયે નાગરિકો માટે ખોલવાના નિર્ણયમાં પણ આવુ જ થયુ હતુ.પહેલા રાતોરાત નિર્ણય લેવાયો હતો અને એ પછી કેન્ટોન્ટમેન્ટમાં રહેતા જવાનો અને અધિકારીઓના પરિવારજનોએ તેનો ભારે વિરોધ કર્યો હતો.કારણકે તેનાથી તેમની સલામતી પર સવાલ ઉભો થયો હતો.એ પછી આ નિર્ણય પાછો ખેંચવો પડયો હતો.મને આશા છે કે, વડોદરાની ઈએમઈ સ્કુલના સ્થળાંતરનો નિર્ણય પણ વહેલો-મોડો પાછો ખેંચાશે.

નિર્ણય લેતા પહેલા ઈએમઈ સાથે વાતચીત કરવાની જરુર હતી 

કે ઈશ્વરનના જણાવ્યા પ્રમાણે સરકાર ૨૦૧૭માં બનેલી સેકેટકર કમિટિની ભલામણો લાગુ કરવા માટે કામ કરી રહી હોય તેવુ લાગે છે.સરકાર  આર્મીનુ કદ ઘટાડવા માંગે છે.વિચાર સારો છે પણ તેનો અમલ કરવા માટે જે રસ્તો અપનાવાયો છે તે યોગ્ય નથી.સરકારે આ માટે વાતચીત કરવાની જરુર છે.ઈએમઈ સ્કૂલ ખસેડવાનો નિર્ણય લેતા પહેલા ઈએમઈ સાથે વાટાઘાટો કરવાની જરુર હતી.ઉતાવળે ં લેવાતા નિર્ણય પાછા ખેંચવા પડતા હોય છે.મને પોતાને સ્કૂલ ખસેડવાના નિર્ણયથી કોઈ ફાયદો કે નુકસાન નથી પણ મને દેશની ચિંતા છે.આ દેશનુ મારા પર ઋણ છે.મને લાગે છે કે, સ્કૂલ ખસેડવાનો નિર્ણય સરકારે દસ વર્ષ માટે ટાળી દેવો જોઈએ.



Google NewsGoogle News