ખેતરમાં ઢોરો ચરાવવાનું ના કહેતાં સીમરખા પર ભરવાડોનો હુમલો
સીમરખાને બચાવવા ગયેલા ગામના પટેલને પણ માર માર્યો ઃ છ ભરવાડો સામે હુલ્લડનો ગુનો
વડોદરા, તા.29 વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે એક ખેતરમાં ઢોરો ચરતાં તેને અટકાવવા ગયેલા સીમરખા પર માલધારીઓએ હુમલો કરી સીમરખા સહિત બે વ્યક્તિને ઇજા પહોંચાડી હતી.
આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના મૂળ વતની પરંતુ હાલ વ્યારા ગામે ટાંકીવાળા ફળિયામાં રહેતાં સિકંદર ગફુર સિંધી વ્યારા ગામની સીમ સાચવવાનું કામ કરે છે. ગઇકાલે બપોરે તે બાઇક લઇને સીમ સાચવવાના કામે નીકળ્યો હતો અને દેવ નદી પર નવા બનતા પુલની બાજુમાં રમેશ પટેલના ખેતરમાં કેટલાંક ઢોરો ચરતાં હોવાથી ઢોરો ચરાવતા રબારીઓને ખેતરમાં ઢોરો કેમ ચરાવો છો તેમ કહેતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને તારા બાપનું શું જાય છે, અમારા ગામની સીમ છે, તારે અમોને રોકટોક કરવી નહી તેમ કહી લાકડીઓથી હુમલો કર્યો હતો.
આ વખતે ખેતરની થોડે દૂરથી મહેશ ઉર્ફે રમેશ મોતીભાઇ પટેલ સીમરખાને બચાવવા દોડી આવ્યા ત્યારે તેમને પણ રબારીઓએ માર માર્યો હતો. અને સીમરખાને ધમકી આપી હતી કે ઢોરો ચરાવતા રોકશો તો જાનથી મારી નાંખીશું. ઉપરોક્ત બનાવ અંગે વાઘોડિયા પોલીસે વ્યારા ગામમાં રહેતાં મફત શંકર રબારી, મહેશ મુળજી રબારી, શંકર મુળજી રબારી, જયેશ દેસાઇભાઇ રબારી, સચિન શંકર રબારી અને મહુંલ શાંતિલાલ રબારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.