પાવાગઢ મંદિરે ઇતિહાસમાં પ્રથમ વખત શસ્ત્ર પૂજન
માતાજીનું ત્રિશૂળ, તલવાર અને પોલીસના શસ્ત્રોનું ધાર્મિક વિધિ મુજબ પૂજન કર્યું
હાલોલ,શકિતપીઠ પાવાગઢ મંદિર પરિસર ખાતે વિજયા દશમી પર્વે ઇતિહાસમાં પહેલીવાર મંદિર ટ્રસ્ટ તેમજ પોલીસના સંયુકત ઉપક્રમે આજે બપોરે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
પાવાગઢ મંદિર પરસર ખાતે દશેરાની ઉજવણી કરાઇ હતી. ડુંગરની ટોચ પર મહાકાળી માતાજીના શિખરબદ્દ સુવર્ણ કળશથી સુશોભિત મંદિર ખાતે દશેરાના પર્વે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
બપોરે ૨ કલાકે માં કાલિકા મંદિર ટ્રસ્ટ અને પાવાગઢ પોલીસના સંયુકત ઉપક્રમે આ પૂજન કરવામાં આવ્યું હતું. પાવાગઢ પોલીસના બેન્ડ સાથે શરણાઇના સુર અને માતાજીના શંખની સૂરાવલિ વચ્ચે મહાકાળી મંદિરના પૂજારીઓ દ્વારા કરાયેલી ધાર્મિક વિધિ વચ્ચે ધાર્મિક વાતાવરણમાં માતાજીના ત્રિશૂળ માતાજીની તલવાર અને પોલીસના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ, પાવાગઢ પોલીસ મથકના પોલીસ કર્મીઓ, સ્થાનિક લોકો તેમજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉપસ્થિત હતા.