ગુરૃવારથી શારદાપીઠ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી વડોદરાની બે દિવસની મુલાકાતે
ગુરૃવારે સામૈયુ અને શોભાયાત્રા, શુક્રવારે સમા સાવલી રોડ પર પાર્ટી પ્લોટમાં આયોજીત ધર્મસભાને સંબોધન કરશે
વડોદરા : દ્વારકા શારદા પીઠના નવ નિયૂક્ત શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શંકરાચાર્ય પદ પર બિરાજ્યા બાદ પ્રથમ વખત વડોદરા આવી રહ્યા છે જેના પગલે વડોદરામાં તેમના સ્વાગત સમારંભ અને ધર્મ સભા માટે તડામારા તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.
પ.પૂ.સ્વરૃપાનંદ સરસ્વતિજી બ્રહ્મલીન થયા બાદ તેમના સ્થાને શંકરાચાર્ય તરીકે દંડી સ્વામી સદાનંદજીની નિયૂક્તિ થઇ છે. જે બાદ તેઓ પ્રથમ વખત વડોદરા અને મધ્ય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તા.૨૨મી ડિસેમ્બરે તેઓનો નગર પ્રવેશ થશે. છાણી જકાતનાકા પાસે તેઓનું સામૈયુ થશે અને ત્યાંથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફરીને શોભાયાત્રા કીર્તિ મંદિર થઇને અમદાવાદી પોળે પહોંચશે. યાત્રાના રૃટ પર વિવિધ સામાજિક સંગઠનો, વેપારી સંગઠનો અને યુવા સંગઠનો દ્વારા શંકરાચાર્યનું સ્વાગત થશે.
કાર્યક્રમના બીજા દિવસે તા.૨૩મી ડિસેમ્બર શુક્રવારે સાંજે ૫ વાગ્યે ગંગોત્રી પાર્ટી પ્લોટ, ઉર્મી સ્કૂલ પાસે, સમા સાવલી રોડ પર ધર્મ સભાનું આયોજન કરાયુ છે જેમાં વડોદરા સહિત રાજ્યના સનાતન ધર્મ સાથે સંકળાયેલા ધર્માચાર્યો અને આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. તા.૨૪ ડિસેમ્બર શનિવારથી શંકરાચાર્ય તેમના સંઘ સાથે મધ્ય ગુજરાતમાં બોડેલી, કવાંટ, અલીરાજપુર, નસવાડી જેવા અંતરીયાળ આદિવાસી વિસ્તારોનો પ્રવાશ કરશે.