Get The App

ISના પૂણે મોડ્યુલ સાથે જોડાયેલા આતંકી શાહનવાજે વડોદરાની હોટલમાં રોકાઇ રેકી કરી હતી

ગોધરાકાંડનો બદલો લેવા માટે ગુજરાતના શહેરોમાં સિરિયલ બ્લાસ્ટની યોજના હતી

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
ISના પૂણે મોડ્યુલ સાથે જોડાયેલા આતંકી શાહનવાજે વડોદરાની હોટલમાં રોકાઇ રેકી કરી હતી 1 - image

વડોદરાઃ આઇએસના પૂણે મોડયુલ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમની કબૂલાતને પગલે ફરી એક વાર પોલીસ સક્રિય બની છે.શાહનવાઝ અને તેના  બે સાગરીતોએ ગુજરાતના વિવિધ શહેરોમાં કરેલી રેકીમાં વડોદરાનો પણ સમાવેશ થાય છે.

મૂળ દિલ્હીના હજારીબાગ ખાતેનો રહેવાસી શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝમા  ગાઝિયાબાદના ટેકનોલોજી ઇન્સ્ટિટયુટમાં માઇનિંગ એન્જિનિયર થયો હતો અને આઇએસના પૂણે મોડયુલમાં તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.એનઆઇએ અને દિલ્હી પોલીસે ઓક્ટોબરમાં તેને ઝડપી પાડતાં ગોધરાકાંડના બદલાના નામે ગુજરાતને અસ્થિર કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.

શાહનવાઝ અને તેની સાથે રિઝવાન તેમજ અલી નામના બે સાગરીતો ટ્રેનમાં અમદાવાદ આવ્યા હોવાની અને ત્યાંથી ગાંધીનગર જઇ સ્કૂટર પર વડોદરા આવ્યા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ છે.વડોદરામાં સ્ટેશન વિસ્તારની એક હોટલમાં તેઓ રોકાયા હતા અને બીજા દિવસે સુરત જવા રવાના થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

ઉપરોકત પ્રકરણમાં આતંકીઓ વડોદરાના સ્ટેશન વિસ્તારની હોટલમાં રોકાયા હોવાની અને કેટલાક વિસ્તારોમાં ફરીને ફોટા,વીડિયો લીધા હોવાની પણ વિગતો બહાર આવી હતી.જેથી વડોદરા પોલીસે આ પ્રકરણમાં વધુ વિગતો મેળવવા તજવીજ કરી છે.

વડોદરા એસઓજી ગુજરાત એટીએસના સંપર્કમાં રહેશેઃપો.કમિ.

વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલૌતે કહ્યું હતું કે,એનઆઇએ દ્વારા શાહનવાઝની કરાયેલી પૂછપરછ અંગેની માહિતી મેળવવા માટે ગુજરાત એટીએસ સક્રિય છે.વડોદરા એસઓજીને ગુજરાત એટીએસના સંપર્કમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે.


Google NewsGoogle News