ફરિયાદી જ આરોપી શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર પિતા અને પુત્રની પોલીસે ધરપકડ કરી
રજૂ કરેલો કરાર બોગસ હોવાનું એફએસએલમાં પૂરવાર થયું ઃ બંનેના એક દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા
વડોદરા, તા.27 મકરપુરા ગામની કિંમતી જમીન પચાવી પાડવાની છ માસ જૂની પોલીસ ફરિયાદમાં શ્રીજી કોર્પોરેશન પેઢીનો ભાગીદાર ખુદ જ આરોપી પોલીસ તપાસમાં નીકળ્યો છે. આ અંગે પોલીસે ભેજાબાજ પિતા અને પુત્રની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મકરપુરા ગામમાં રે.સ.નં.૨૭૨ વાળી ૧૬૦૮૭ ચો.મી. ક્ષેત્રફળવાળી જમીનના સ્વંતંત્ર માલિક નગીન ભગવાનભાઇ પટેલે જમીન ડેવલોપ કરવા માટે તા.૨૪ જુલાઇ ૨૦૧૬ના રોજ તેમના પુત્ર જયમીન પટેલને આપેલી એક પાવર ઓફ એટર્નીના આધારે જયમીને આ જમીન બિનખેતીની કરી ડેવલોપ કરવા માટે તા.૯ નવેમ્બર ૨૦૧૬ના રોજ શ્રીજી કોર્પોરેશન ભાગીદારી પેઢીને આપી હતી. કલેક્ટર કચેરીમાં જમીન અંગે પ્રિમિયમની રકમ તેમજ રજા ચિઠ્ઠી અને રિવાઇઝ્ડ રજા ચિઠ્ઠી તેમજ અન્ય પરચૂરણ ખર્ચ મળી કુલ રૃા.૭૩.૨૦ લાખનો ખર્ચ કરાવડાવી પેઢીનો હક્ક ડૂબાડી આ જમીન તા.૮ માર્ચ ૨૦૨૩ના રોજ મુકેશ કીકાણી અને પ્રવિણભાઇ પટેલને રૃા.૯.૭૩ કરોડમાં રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવા અંગે શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર ચિંતન નરેન્દ્રભાઇ પટેલ (રહે.સામ્રાજ્ય વિભાગ-૧, મુજમહુડારોડ, અકોટા)એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદની તપાસ એસીપી એફ ડીવીઝન દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપી મુકેશ કીકાણી અને જયમીન પટેલ આગોતરા જામીન મેળવી પોલીસ સમક્ષ હાજર થયા બાદ તેમણે શ્રીજી કોર્પોરેશન દ્વારા જે ડેવલોપમેન્ટ કરાર રજૂ કર્યો છે તે બોગસ છે અને તેમાં સહિઓ પણ ખોટી છે તેમ જણાવતા પોલીસે કરાર એફએસએલમાં મોકલ્યો હતો જેની તપાસમાં શ્રીજી કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલા કરારમાં સહિ તેમજ અન્ય લખાણો કુદરતી લખાણ અને સહિ સાથે મળતા નહી હોવાનો અભિપ્રાય આવ્યો હતો. આમ ફરિયાદી જ ખુદ આરોપી બની ગયો હતો અને પોલીસ દ્વારા શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર ચિંતન પટેલ અને તેના પિતા નરેન્દ્રભાઇ પટેલની ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો.