વડોદરાથી અમદાવાદ જતા મહી નદી પર એક્સપ્રેસ વે પર ચોમાસા પહેલાં જ બનાવેલા રોડ પર પડેલા ગાબડાં
બ્રિજ પરથી કાર્પેટિંગ ઉખડી ગયું અને રોડ દેખાવા લાગ્યો ઃ ચાર માસ બાદ ફરીથી કામ કરવાની નોબત
વડોદરા, તા.16 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર ચોમાસા પૂર્વે જ મહી નદીના બ્રિજ પર રોડનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ રોડનું તકલાદી કામ થોડા માસમાં જ ખુલ્લુ પડી જતા આખરે ફરીથી કામ કરવાની ફરજ પડી છે અને તેના કારણે એક્સપ્રેસ હાઇવે પર વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુ પહેલાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર મહી નદીના બ્રિજ પર મોટા ખાડા પડી જતા કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું. નેશનલ હાઇવે પર કરવામાં આવતી કામગીરી સામાન્ય સંજોગોમાં મજબૂત હોય છે પરંતુ આ કામગીરી ખૂબ જ હલકી કક્ષાની હોવાથી થોડા સમયમાં જ બ્રિજ પર મોટા મોટા ખાડા પડવાનું શરૃ થઇ ગયું હતું. આ બ્રિજ પર મોટા ખાડા પડી જતા ડામરના ગાબડા બહાર આવી જતા નીચેનો આરસીસી રોડ સ્પષ્ટ દેખાતો હતો.
મોટી રકમના ટોલની ચૂકવણી કર્યા બાદ આ રોડ પરથી પસાર થતા જ વાહનચાલકોને મોટા ખાડાનો સામનો કરવો પડતા હેરાન પરેશાન થઇ ગયા હતાં. કહેવાય એક્સપ્રેસ હાઇવે પરંતુ મહી નદી પાસે આવતાં જ વાહન ધીમું કરી દેવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું હતું. વાહનચાલકોની અનેક બૂમો વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટિ સુધી એક્સપ્રેસ હાઇવેની બદતર હાલતની ફરિયાદો ગઇ હતી.
દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી મહી નદીના બ્રિજ પર પડેલા ખાડાને સુધારવાની કામગીરી ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ડામરનું કામ ચાલી રહ્યું છે અને હજી બે સપ્તાહ સુધી કામ ચાલશે. આ કામગીરીના કારણે એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. મહી નદીના બ્રિજ પાસે વાહન આવતાં જ ધીમુ પડી જાય છે. રોડ પરના ડાયવર્ઝનના કારણે વાહનચાલકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે.
બ્રિજ પર ચાર-ચાર ઇંચ મોટા ગાબડા પડી જવાથી વાહનોના ટાયરોને પણ નુકસાન થતા હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે મહી નદીના બ્રિજ પરની કામગીરી આશરે અડધો કિ.મી. રોડ પર ચાલી રહી છે જેના કારણે આ સ્થળ પર ટ્રાફિક સ્લો થઇ જાય છે.
મહી નદીની બંને બાજુ રોડ પર પાંચથી છ કિ.મી. ટ્રાફિકજામ
હાઇવે ઓથોરિટિએ અગાઉથી જાણ પણ ના કરી ઃ બે સપ્તાહ સુધી લોકો હેરાન
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર મહી નદી પર સમારકામના પગલે આ સ્થળની બંને બાજુ રોજ રોજ પાંચથી છ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થતો હોય છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુ પહેલાં પણ બ્રિજ પર સમારકામ કરવામાં આવ્યું ત્યારે પણ સવારે તેમજ સાંજે એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી. કલાકો સુધી વાહનચાલકો એક્સપ્રેસ વે પર અટવાઇ જતા હતાં. લાંબા સમય સુધી ટ્રાફિકજામની સમસ્યા ભોગવ્યા બાદ હવે ફરીથી વાહનચાલકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
મહી નદી પર કાર્પેટિંગની કામગીરીના કારણે રોજે રોજ ફરી ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થયું છે. આગામી બે સપ્તાહ સુધી આ કામ ચાલશે જેથી વાહનચાલકોને હેરાન પરેશાન થવું પડશે. મહત્વની બાબત એ છે કે હાઇવે ઓથોરિટિ દ્વારા આ અંગે અગાઉથી કોઇ જાણકારી પણ અપાતી નથી.
દુમાડ ચોકડીથી વાહનોને ડાયવર્ઝન અપાતા હાલાકી
નેશનલ હાઇવે પરથી પસાર થતા બમણો ટોલ ભરવો પડે તેવી સ્થિતિ
એક્સપ્રેસ હાઇવે પર મહી નદીના બ્રિજ પાસે ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે દુમાડ હાઇવે પરથી જ ભરૃચ તરફથી આવતા વાહનોને ડાયવર્ઝન આપી વાસદ તરફના નેશનલ હાઇવે તરફ મોકલવામાં આવે છે.
મહત્વની બાબત એ છે કે નેશનલ હાઇવે ઓથોરિટિએ લોકોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવાનું હોય તેના બદલે વાહનચાલકો વધુને વધુ હેરાન થાય તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતા વાહનોને અમદાવાદ સુધી માત્ર એક વખત જ ટોલ ભરવો પડે છે જ્યારે વાસદ પાસેના હાઇવે પરથી અમદાવાદ જવું હોય તો બે વખત ટોલ ભરવો પડે.
બમણા ટોલની ચૂકવણીથી બચવા માટે વાહનચાલકો એક્સપ્રેસ વે પરની મુસાફરી પસંદ કરતા હોય છે પરંતુ દુમાડ હાઇવે પરથી ડાયવર્ઝનના કારણે બમણો દર ચૂકવવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.