કોર્ટના તાળા તોડી કેસ પેપરની ચોરી કરનારને સાત વર્ષની સખત કેદ
રીઢા ઘરફોડીયાએ થોડા દિવસ અગાઉ પણ મુદત સમયે કોર્ટમાં આખી રાત છુપાઈ જઈ ચોરીનો પ્રયાસ કર્યો હતો
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના રીઢા ઘરફોડીયા
સેક્ટર ૪-એ પ્લોટ નંબર ૧૭૭-૧માં રહેતા વિક્રમ બચુજી ઠાકોર દ્વારા ગત ૨૦ સપ્ટેમ્બર
૨૦૧૯ના રોજ સાંજના સમયે ગાંધીનગર કોર્ટ સંકુલમાં ત્રીજા માળે લોખંડની જાળી તોડીને
કોર્ટમાંથી રૃમ નંબર ૩૧૪નું ઇન્ટરલોક તોડી કેસ પેપરની ચોરી કરી લીધી હતી. જે
સંદર્ભે તેની સામે સેક્ટર ૭ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો અને તેની ધરપકડ
કરવામાં આવી હતી. જે કેસ ગાંધીનગરના છઠ્ઠા એડિશનલ ચીફ સિનિયર જ્યુડિશિયલ
મેજિસ્ટ્રેટ શ્રી સંજીવ કુમારની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.
એસ. ચૌધરી દ્વારા ફરિયાદી તેમજ કોર્ટ સ્ટાફ અને અન્ય સાહેદો અને પોલીસ અધિકારીઓની
જુબાની લેવામાં આવી હતી. તેમણે દલીલ કરી હતી કે, આરોપી વિરુધ્ધ ઘરફોડ ચોરીના સંખ્યાબંધ ગુના અલગ અલગ પોલીસ
મથકમાં નોંધાયેલા છે અને હાલમાં પણ ગાંધીનગર કોર્ટમાં સીસીટીવી કેમેરાના કેબલ કાપી
ચોરીનો પ્રયત્ન કર્યો હતો. આરોપીને કોર્ટમાં ચોરી કરવામાં કોઈ બીક નથી તો સામાન્ય
લોકોના ઘરે આરોપીને ક્યાંથી બીક લાગે?
જો આરોપીના કૃત્યથી કોર્ટ પણ સુરક્ષિત નથી તો બીજું કોણ સુરક્ષિત રહી શકશે.
જેથી આરોપીને સમાજમાં દાખલો બેસે તે પ્રકારે સજા આપવામાં આવે. જેના અનુસંધાને
કોર્ટે આરોપી વિક્રમ બચુ ઠાકોરને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.