શહેરના સાત વિદ્યાર્થીઓને કોસ્ટ એકાઉન્ટન્ટની ડિગ્રી પ્રાપ્ત થઈ

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
શહેરના સાત વિદ્યાર્થીઓને કોસ્ટ એકાઉન્ટન્ટની ડિગ્રી  પ્રાપ્ત થઈ 1 - image

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં લેવાયેલી ઈન્ટર અને ફાઈનલ પરીક્ષાનુ પરિણામ જાહેર થયુ છે.જેમાં વડોદરાના સાત વિદ્યાર્થીઓ કોસ્ટ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવવામાં સફળ થયા છે.

સીએ ઈન્ટર પરીક્ષામાં શહેરની ઐશ્વર્યા ધારીવાલે  દેશમાં ૪૮મી રેન્ક મેળવીને ઝળહળતો દેખાવ કર્યો છે.

વડોદરામાં સીએ ફાઈનલ પરીક્ષામાં મનિષા સુરેશ કુમાવત પહેલા ક્રમે, શબ્બિર હુસેન અફઝલ હુસેન ભાઈસાહેબ બીજા ક્રમે અને અવંતિકા શંકર શર્મા ત્રીજા ક્રમે રહી છે.

જ્યારે સીએ ઈન્ટર પરીક્ષામાં ઐશ્વર્યા ધારીવાલે વડોદરામાં પહેલો ક્રમ, રેન્તાલા સૃથિએ બીજો ક્રમ અને હની નરેન્દ્ર ચંદવાણીે ત્રીજો ક્રમ મેળવ્યો છે.

સીએ ઈન્ટરમાં કુલ ૩૪૪ વિદ્યાર્થીઓએ જૂના કોર્સ પ્રમાણે અને ૭૦ વિદ્યાર્થીઓએ નવા  કોર્સ પ્રમાણે તથા સીએ ફાઈનલમાં ૧૬૨ વિદ્યાર્થીઓએ જૂના કોર્સ પ્રમાણે અને ૨૧ વિદ્યાર્થીઓએ નવા કોર્સ પ્રમાણે પરીક્ષા આપી હતી.

પિતાએ કહ્યુ હતુ કે પૈસાની ચિંતા ના કરતી, જરુર પડે તો લોન લઈને પણ ભણાવીશ

કોસ્ટ એકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષામાં  શહેરમાં પહેલા સ્થાને રહેનાર આજવા રોડ વિસ્તારની રહેવાસી મનિષા કુમાવતે જણાવ્યુ હતુ કે, મારા પિતા માત્ર આઠમુ ધોરણ પાસ છે અને માતા સાતમુ ધોરણ.મારા પિતા ટાઈલ્સ ફિટિંગનુ કામ કરે છે.તેમણે શિક્ષણના અભાવે ઘણી હાડમારીઓ વેઠી હતી.મારા માતા પિતા નહોતા ઈચ્છતા કે હું અને મારા બે ભાઈઓ પણ આ જ પ્રકારની મુશ્કેલીઓ વેઠે.જેના કારણે તેમણે અમને ઉચ્ચ શિક્ષણ આપવામાં કસર નહોતી છોડી, મારા એક ભાઈ બેન્કમાં મેનેજર છે.બીજા ભાઈ બીટેક કરી રહ્યા છે અને મેં કોસ્ટ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવી છે.મારા માતા-પિતાએ કહ્યુ હતુ કે, જરુર પડે તો લોન લઈશું પણ તને ભણાવીશ.તારે ચિંતા કરવાની જરુર નથી.ફાઈનલ પરીક્ષાના ત્રણેક મહિના અગાઉથી હું રોજ દસ કલાક વાંચીને તૈયારી કરતી હતી.



Google NewsGoogle News