ગોત્રી રોડ પર યજ્ઞા કર્યા પછી ભેગા થઇને જુગાર રમતા સાત કર્મકાંડી બ્રાહ્મણો પકડાયા
પોલીસને પણ આશ્ચર્ય થયું : રોકડા, વાહન, મોબાઇલ મળી કુલ ૬.૮૧ લાખની મતા કબજે
વડોદરા,ગોત્રી રોડ આત્મજ્યોતિ મંદિર સામે શિવ ટેનામેન્ટમાં જુગાર રમતા સાત કર્મકાંડી બ્રાહ્મણને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જુગારધારા હેઠળ કેસ નોંધી ૬.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
લક્ષ્મીપુરા પોલીસને માહિતી મળી હતી કે, શિવ ટેનામેન્ટમાં રહેતા કાંતિલાલ રતિલાલ દવે પોતાના ઘરે બહારથી લોકોને બોલાવી જુગાર રમાડી રહ્યા છે. જેથી, પી.આઇ. એમ.ડી. ચૌધરીની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા કાંતિલાલ દવે સહિત સાત ઝડપાયા હતા. પકડાયેલા જુગારીઓમાં (૧) કાંતિલાલ દવે (૨) જીતેન્દ્ર દિનકરરાય જાની, ઉ.વ.૩૫ ( રહે. સૌરભ બંગ્લોઝ, બોરસદ ચોકડી પાસે, આણંદ) (૩) કનૈયાલાલ જ્યંતિલાલ જાની,ઉ.વ.૩૫ ( રહે. જલારામ નગર, મધર્સ સ્કૂલની બાજુમાં, વડોદરા) (૪) નરેશ હરગોવિંદભાઇ જાની, ઉ.વ.૪૬ ( રહે. દેવકૃપા સોસાયટી, ડી માર્ટની પાછળ, નવા નરોડા, અમદાવાદ) (૫) ધિરજલાલ ઉર્ફે ધીરૃભાઇ મૂળજીભાઇ જાની, ઉ.વ.૬૨ ( રહે. ચામુંડા નગર, ગોત્રી રોડ) (૬) પિન્ટુ પ્રતાપભાઇ જાની, ઉ.વ.૩૨ (રહે. યુનાઇટેડ સ્કાય ડેલ, હાથીજણ,અમદાવાદ) તથા (૭) યોગેશ અનભાઇ જાની, ઉ.વ.૬૦ ( રહે. અંબા દર્શન સોસાયટી, બોરીવલી, ઇસ્ટ મુંબઇ) નો સમાવેશ થાય છે.પોલીસે તેઓ પાસેથી રોકડા ૮૨,૦૯૦, ૧૧ મોબાઇલ ફોન, બે વાહન મળી કુલ રૃપિયા ૬.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે, તમામ કર્મકાંડી એક યજ્ઞા માટે ભેગા થયા હતા. અને ધાર્મિક કાર્ય પૂરૃં કર્યા પછી તેઓ જુગાર રમવા બેઠા હતા. તે જાણીને અમને પણ આશ્ચર્ય થયું હતું.