પત્નીનો નંબર માગતા ઠપકો આપનાર યુવાન ઉપર સાત સાત શખ્સોનો હુમલો

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
પત્નીનો નંબર માગતા ઠપકો આપનાર યુવાન ઉપર સાત સાત શખ્સોનો હુમલો 1 - image


ગાંધીનગર નજીક પ્રાંતિયા પાસે બનેલી ઘટના

ઘાયલ ડભોડાના યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ઃ ગામના ત્રણ યુવાનો સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડાના બુટાકીયામાં રહેતા યુવાન દ્વારા પત્નીનો નંબર માગનાર યુવાનને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને આ યુવાને તેના મિત્રો સાથે મળીને નોકરીએથી પરત ફરતા યુવાન ઉપર હુમલો કરી દીધો હતો. જેથી તેને સારવાર માટે સિવિલથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો છે. આ મામલે ડભોડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક ડભોડાના બુટાકીયા પરામાં રહેતો યુવાન અજય બાબુજી સોલંકી પ્રાંતિયા પાસે ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને બે દિવસ અગાઉ ગામના યુવાન ભાવેશ અરજણજી ઠાકોર દ્વારા આ યુવાનની પત્નીનો મોબાઇલ નંબર માગવામાં આવ્યો હતો. જેથી પત્નીએ અજયને જાણ કરી હતી. જેના પગલે અજયે ભાવેશને ઠપકો આપ્યો હતો. ત્યારે આ બાબતની અદાવત રાખવામાં આવી હતી અને ગઈકાલે અજય નોકરીએથી પરત ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન પ્રાંતિયા પાસે ભાવેશ અરજણજી ઠાકોર, પંકજ ભુપતસિંહ પરમાર બંને રહે કલ્યાણપુરા ડભોડા અને જયેશ નાગરજી ઠાકોર બાઈક લઈને આવ્યા હતા અને અજયનું બાઈક ઊભું રખાવ્યું હતું અને ત્યારબાદ ભાવેશે તેના હાથમા રહેલા ધોકા વડે હુમલો કરી દીધો હતો. પંકજ અને જયેશની સાથે બીજા ચાર શખ્સોએ પણ માર માર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ જતા આ શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા.

ત્યારબાદ અજયે તેના ભાઈ અને પરિવારના સભ્યોને ફોનથી જાણ કરતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અજયને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ આ સંદર્ભે ડભોડા પોલીસે અજયની ફરિયાદના આધારે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૃ કરી છે.



Google NewsGoogle News