મોડીરાતે ડભોઇ રોડ પર બૂટલેગરો અને સોસાયટીના રહીશો વચ્ચે સશસ્ત્ર અથડામણમાં સાત ઘાયલ
સોસાયટીના કોમન પ્લોટમાં સાફ સફાઇના મુદ્દે મિટિંગમાં થયેલી બોલાચાલી પછી ઝઘડો
વડોદરા,ડભોઇ રોડ પર મોડીરાતે માથાભારે બૂટલેગરો અને સોસાયટીના રહીશો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી. જેમાં સાત થી આઠ લોકોને ઇજા થઇ હતી. કપુરાઇ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડભોઇ રોડ સોમા તળાવ પાસે વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં રહેતો હાર્દિક નટવરભાઇ પરમાર એસ.પી. ઇવેન્ટના નામે ધંધો કરે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પિતા સયાજી હોસ્પિટલમાં અને માતા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. ગઇકાલે રાતે સોસાયટીના કોમન પ્લોટમાં ગરબા આયોજક એવા પ્રમુખે માટી પુરાણ તથા ઘાસ કઢાવવા રાતે સાડા આઠ વાગ્યે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના પ્રમુખે જે વ્યક્તિઓને કામ સોંપ્યું હતું. તેને લ ઇને સોસાયટીના બિટ્ટુને મતભેદ થયો હતો. ત્યારબાદ સોસાયટીના સભ્યો છૂટા પડયા હતા. હું સોમા તળાવ પાસે હોસ્પિટલમાં મારા મિત્રની ખબર જોવા માટે ગયો હતો. સાડા અગિયાર વાગ્યે અમારી સોસાયટીના સુમિત ઉર્ફે બિટ્ટુ, વિપુલ પંચાલ, નરેશ પરમાર, કુણાલ કહાર, પિંકેશ રાઠવા ( રહે. ક્રિષ્ણાનગર, ઘાઘરેટિયા) હાથમાં ડંડા અને ચપ્પુ સાથે આવતા હતા. સુમિતે ચપ્પુ વડે મારી છાતી પર ઘા મારવાની કોશિશ કરતા હું ફરી જતા મને પીઠના ભાગે ઇજા થઇ હતી. વિપુલ પંચાલે ડંડાથી મારા પર હુમલો કર્યો હતો. પિંકેશે મારા મિત્ર શિવ વસાવાને ચપ્પુ માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. કુણાલ કહારે મને તથા શિવ વસાવાને માર માર્યો હતો. હુમલાખોરોએ મને જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા. તેઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મારા મિત્ર પીયૂષ પટેલને નરેશ પરમારે ચાકૂથી માથામાં ઇજા પહોંચાડી હતી. કુણાલ કહારે ગુપ્તીથી હુમલો કર્યો હતો. દરમિયાન લોકો ભેગા થઇ જતા હુમલાખોરો ભાગી ગયા હતા.
જ્યારે સામા પક્ષે ઘાઘરેટિયામાં રહેતા પિંકેશ રાઠવાએ પીયૂષ પટેલ, હાર્દિક પરમાર, શિવ વસાવા, ભરત ભરવાડ તથા ભવાન ભરવાડ ( તમામ રહે. વૈષ્ણવ પાર્ક સોસાયટી) સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આરોપીઓએ ચાકૂથી હુમલો કરી જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા.