વડોદરા પાસે હાઇવે પર બે કારને અકસ્માત કરનાર ટ્રક ડ્રાઇવરને ખેતરમાં લઇ જઇ ફટકાર્યો,7 પીધેલા યુવકો પકડાયા

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
વડોદરા પાસે હાઇવે પર બે કારને અકસ્માત કરનાર ટ્રક ડ્રાઇવરને ખેતરમાં લઇ જઇ ફટકાર્યો,7 પીધેલા યુવકો પકડાયા 1 - image

વડોદરાઃ અમદાવાદ-સુરતના વડોદરા નજીક  હાઇવે પર બે કાર સાથે અકસ્માત કરનાર ટ્રક ડ્રાઇવરને કારમાંથી ઉતરેલા દારૃના નશામાં ધૂત યુવકોએ ખેતરમાં લઇ જઇ ઢોર માર મારતાં હરણી પોલીસે ત્રણ યુવકોને ઝડપી પાડયા બાદ બાકીના ચારને પણ ઝડપી પાડી બંને કાર કબજે લીધી હતી.

અમદાવાદના મેઘાણનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવિંગ કરતા મોનુ ઠાકોરે પોલીસને કહ્યું છે કે,હું ટ્રકમાં માલ ભરીને કર્ણાટકથી અમદાવાદ જતો હતો ત્યારે ગઇકાલે પરોઢિયે પોણાચારેક વાગે વડોદરાના દરજીપુરા બ્રિજ ઉતરતાં બે કાર સાથે અકસ્માત થયો હતો.

આ વખતે કારમાંથી પાંચ થી સાત યુવકો ઉતર્યા હતા અને મને ટ્રકમાંથી ઉતારી બાજુના ખેતરમાં લઇ જઇ ઢોર માર મારતાં શરીરે ઇજાઓ થઇ હતી.મેં બૂમરાણ મચાવતાં નજીકની હોટલમાંથી લોકો દોડી આવ્યા હતા અને મને બચાવ્યો હતો.

દરમિયાનમાં હરણી પોલીસે ત્રણ યુવકોને પકડયા હતા અને તેમની પૂછપરછ બાદ બીજા ચારને ઝડપી પાડયા હતા.ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ પોલીસે તેમનો બ્લડ ટેસ્ટ કરાવતાં આલ્કોહોલ મળી આવ્યો હતો.જેથી તમામ સાત યુવકો સામે ડ્રાઇવર પર હુમલાનો અને પીધેલાનો કેસ કરવામાં આવ્યો હતો તેમજ તેમની બંને કાર પણ કબજે લીધી હતી.

દારૃના નશામાં પકડાયેલા યુવકોના નામ

ટ્રક ડ્રાઇવર પર હુમલાના બનાવમાં હરણી પોલીસે દારૃના નશામાં મળી આવેલા સાત યુવકોની ધરપકડ કરી હતી.જેમાં (૧)યોગેશ કિરણભાઇ સોલંકી(સૂરજ નગર, ન્યુ સમારોડ)(૨) વિરાજ અંબાલાલ પરમાર (નવરંગ સોસાયટી,ન્યુ સમા)(૩) વ્રજેશ કનકસિંહ ચૌહાણ(સમર્થ સોસાયટી,કારેલી બાગ)(૪) વિષ્ણુ રાજીવકુમાર પાન્ડે (એનક્લ્યુ, યુગપુરૃષ રેસિડેન્સીની પાસે, હરણી મોટનાથરોડ)(૫) વેદાંત અમીન ભાઇ પંડયા(એમઆઇજી ફ્લેટ,બુધ્ધદેવ કોલોની) (૬)નિકુંજ અરવિંદભાઇ વાઘેલા(પીળા વુડાના મકાનમાં,બાપોદ) અને (૭) વિષ્ણુ બાબુભાઇ મિસ્ત્રી(નહેરૃનગર,ન્યુ સમારોડ)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News