વડોદરામાં ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન હેઠળ સાત એમ્બ્યુલન્સ ફાળવી

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન હેઠળ સાત એમ્બ્યુલન્સ ફાળવી 1 - image

- પક્ષીઓનો માળામાં આવવા જવાના સમયને ધ્યાનમાં રાખી ઈજાથી બચાવવા સવારે દશ થી સાંજે છ વાગ્યા સુધી પતંગ ઉડાડવા અનુરોધ

વડોદરા,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર

ઉત્તરાયણ નિમિત્તે ઘણા અબોલ પક્ષીઓ પતંગ-દોરી થી ઘવાઈ જાય છે અને લોહી લુહાણ બને છે. જેને ધ્યાને લઈને દરવર્ષની જેમ આ વર્ષે પણ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962 હેલ્પલાઇન થકી એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાનું કરુણા અભિયાનમાં જોડાશે. 1962 હેલ્પલાઈન અબોલ પશુ અને પક્ષીઓની સારવાર માટે સરકારે કાર્યરત કરી છે. ઉત્તરાયણ નિમિત્તે ધારદાર દોરીના કારણે પક્ષીઓ ઘાયલ થતાં હોય છે, જેમાં ખાસ કરીને કબૂતર, ઘુવડ અને સમડી જેવા પક્ષીઓની સંખ્યા વધુ હોય છે. વર્ષ 2023 દરમ્યાન કરુણા અભિયાન અંતર્ગત 295 પક્ષીઓ અને 512 પશુઓ એમ કુલ 816 પશુપક્ષીઓ સારવાર કરીને જીવ બચાવાયો હતો. જ્યારે માત્ર ઉત્તરાયણ નિમિત્તે તા.14 અને 15 ના રોજ 130 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.

કરુણા અભિયાન-2024 અન્વયે વડોદરામાં 1962 ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસની કુલ 7 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેમાં વડોદરાના રામનાથ સેન્ટરની એમ્બ્યુલન્સ, વાઘોડિયા રોડ, સરસવાની સેન્ટરની, સમા, સિંધરોટ સેન્ટરની, ગોત્રી, વેમાર સેન્ટરની, છાણી, રાજપુરા સેન્ટરની, મકરપુરામાં કરુણા એક અને કરુણા બે એમ્બયુલન્સ સિટી વિસ્તારમાં કરુણા અભિયાન સેવા આપવા માટે કાર્યરત રહેશે. કરુણા એનિમલ હેલ્પલાઇન તરફથી સવારે 10 પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ પક્ષીઓ પોતાના માળામાંથી જવા અને આવવાનો સમય હોવાથી પતંગ ચગાવવા માટે સવારે 10 થી સાંજે 6 સુધી પતંગબાજી કરવા અનુરોધ કર્યો છે. દરમિયાન વડોદરા જિલ્લાના કોટંબી-આલમગઢ ગામ ખાતે કૂતરો કરડવા દોડતા નીલ ગાય જીવ બચાવવા જતા નહેરમાં પડી ગઈ હતી. નહેરમાંથી બહાર કાઢેલ નીલ ગાયના કાન, નાક, ખરી અને પૂંછડી પર કૂતરાએ  બચકા ભરવાથી ઊંડા ઘા થઈ જતા જોતા કરુણા એમ્બ્યુલન્સે સ્થળ પર પહોંચીને તાત્કાલિક સારવાર આપી હતી.


Google NewsGoogle News