ઘરેલુ વપરાશના ગેસ બોટલમાંથી ગેસ ચોરી કરતા ગેસ સાત આરોપીઓ ઝડપાયા
જગ્યાનો માલિક વોન્ટેડ : ૮૯ ગેસ બોટલ સહિત ૧.૭૫ લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા,ઘરેલુ ગેસ વપરાસના બોટલમાંથી ગેસ ચોરી કોમર્શિયલ વપરાશના બોટલમાં ભરી વેચી દેવાના નેટવર્કને પીસીબી પોલીસે ઝડપી પાડયું છે. પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડી કુલ ૧.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ગેસ ચોરી જે સ્થળ પર કરતા હતા. તે જગ્યાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે.
કરોડિયા રોડ સી.આઇ.એસ.એફ. હેડ ક્વાટર્સની દીવાલની આડમાં ખુલ્લી જગ્યામાં મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના માણસો ગસ રિફિલીંગ કરી રહ્યા હોવાની માહિતી એસ.ઓ.જી. પોલીસને મળી હતી. જેથી, પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે વિસ્તાર કોર્ડન કરીને ૭ આરોપીઓેને ઝડપી પાડયા હતા. ગ્રાહકોના ઘરેલુ વપરાશના ગેસ બોટલો ડિલિવરી ચલણ સાથે લઇને આરોપીઓ રસ્તામાં ટેમ્પો ઉભો રાખીને ગેસ કાઢી લેતા હતા. ઘરેલુ વપરાશના ગેસ બોટલોના સીલ ખોલીને આરોપીઓ ખાલી કોમર્શિયલ બોટલોમાં ગેસ ભરી ફરીથી બોટલ સીલ કરી આપી દેતા હતા. પોલીસે સ્થળ પરથી (૧) અશોક બળવંતરામ માંજુ (૨) માંગીલાલ રૃપારામ ગોદારા ( ૩) લાદુરામ સહીરામ માંજુ (૪) માંગીલાલ ઓમપ્રકાશ ખીચડ (૫) સુભાગરામ બલવંતરામ માંજુ (૬) સુભાષરામ રૃપારામ ગોદારા (તમામ રહે. રાઠવા ગેસ એજન્સી, કરોડિયા રોડ, મૂળ રહે. રાજસ્થાન) ને ઝડપી પાડયા હતા. જ્યારે કુતુબદ્દીન કાલુભાઇ કુરેશી ( રહે. કરોડિયા રોડ) ને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ઘરેલુ વપરાશના ૭૮ બોટલ તથા કોમર્શિયલ ગેસ વપરાશના ૧૧ બોટલ કિંમત રૃપિયા ૮૧,૮૦૨, ગેસના ખાલી બે બોટલ કિંમત રૃપિયા બે હજાર, લોખંડની પાઇપ, બે વજન કાંટા, છ મોબાઇલ ફોન, ટેમ્પો તથા રોકડા રૃપિયા મળી કુલ રૃપિયા ૧.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.