વડોદરામાં સરકારી હોસ્પિટલ સામે ધમધમતુ રસોડું : 9 મહિનામાં 90 હજાર લોકોની જઠરાગ્નિ ઠારી
- હૉસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓના સ્વજનો માટે આશીર્વાદ રૂપ ભોજન સેવા
વડોદરા,તા. 12 ડિસેમ્બર 2022,સોમવાર
વડોદરામા ગોત્રી વિસ્તારમાં આવેલ GMERS સરકારી હોસ્પિટલની સામે ગરીબ દર્દીઓના સજ્જનોની જઠરાગ્નિ ઠારવા માટે સેવાભાવી યુવાનો દ્વારા ભોજન સેવા શરૂ કરાઈ છે. 9 મહિના પહેલા શરૂ થયેલી આ સેવાનો 90 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે
વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે મંડળના આગેવાન તરંગ શાહ કહે છે કે હોસ્પિટલ સામે આમ તો પૈસા ખર્ચીને ભોજન મળી રહે છે પરંતુ રવિવાર અને જાહેર રજાઓ તથા તહેવારોમાં લારી દુકાન રેસ્ટોરન્ટ બંધ હોય છે ત્યારે પૈસા ખર્ચીને પણ ભોજન મળતું નથી એમ પણ ગરીબ દર્દીઓના સ્વજનો પાસે લારી અને રેસ્ટોરન્ટનું ભોજન ખાવા માટે પૂરતા પૈસા નથી હોતા એટલે અમે દર શનિ રવિ ભોજન સેવા ચાલુ કરી જેમાં પૂરી - શાક અથવા દાલફ્રાઈ - રાઈસ, અથવા રાજમાં - ચાવલ હોય છે સાથે એક મીઠાઈ પણ હોય છે. દિવાળીના તહેવારના આખો મહિનો રસોડું ચાલ્યું હતું તો ગણપતિ મહોત્સવ અને નવરાત્રીમાં પણ 10 દિવસ રસોડું ચલાવ્યું હતું દાતાઓના સહયોગથી સતત ૯ માસથી ગોત્રી હોસ્પિટલ (GMERs હોસ્પિટલ) ના દરવાજા સામે સાત્વિક અને પૌષ્ટિક ભોજન પીરસવા માં આવે છે.
સવારના ૮:૩૦ થી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી માત્ર ૫ રૂપિયામાં અવિરત ભોજન પીરસવામાં આવે છે. ૫ રૂપિયા પણ કોઈ મફત જમવાની શરમન અનુભવે તે માટે લેવામાં આવે છે, ટૂંકમાં રૂપિયા હોય કે ના હોય ભોજન તો દરેકને પીરસાય છે. ઈશ્વર કૃપા અને દાતા ઓના અવિરત સહયોગથી આજસુધી ઇન્દ્રપ્રસ્થની ભોજન સેવામાં કોઈ અડચણ આવી નથી.ધોધમાર વરસાદવાળા ચોમાસામાં પણ સેવા ચાલતી રહી છે.