અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં સર્વર ઠપ્પ ઃ પક્ષકારો પરેશાન

એક વખત એપોઇન્ટમેન્ટ લીધી હોવા છતાં બીજી વખત એપોઇન્ટમેન્ટ લેવાની ફરજ પડાતી હોવાની બૂમ

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં સર્વર ઠપ્પ ઃ પક્ષકારો પરેશાન 1 - image

વડોદરા, તા.16 વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી પશ્ચિમ મામલતદાર કચેરી બિલ્ડિંગમાં સબ રજિસ્ટ્રારની કચેરીમાં છેલ્લા બે દિવસથી સર્વર ખોટકાતા દસ્તાવેજની નોંધણી કરાવવા આવતા લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. સબ રજિસ્ટ્રાર દ્વારા પણ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે યોગ્ય પગલાં નહી લેવાતા આજે લોકો ઉગ્ર બન્યા હતાં.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર તેમજ જિલ્લામાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સૌથી વધુ દસ્તાવેજો તેમજ સ્ટેમ્પ ડયૂટીની સરકારને કમાણી કરી આપતી અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ થાય છે. પરંતુ આ કચેરીમાં જ સૌથી વધુ ધાંધીયાના કારણે અરજદારો હેરાન થાય છે. અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં જી સ્વાનની કનેક્ટિવિટિમાં સમસ્યા સર્જાતા છેલ્લા બે દિવસથી લોકોને હેરાનગતીનો સામનો કરવો પડયો છે. ગઇકાલે સવારથી જ સર્વર બંધ રહેતાં દસ્તાવેજની નોંધણી બંધ થઇ ગઇ હતી.

અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇને આવેલા પક્ષકારો કલાકો સુધી બેસી રહેવા છતાં સર્વર ચાલુ નહી થતાં આખરે પરત ફરવાનો વારો આવ્યો હતો. સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા આ અંગે કોઇ સૂચના પણ લગાવવામાં આવતી નથી જેથી પક્ષકારોને તેની જાણ થઇ શકે. દસ્તાવેજ નોંધાવવા માટેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ બંને પક્ષકારો જ્યારે નોંધણી માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહોંચે ત્યારે સર્વરના ધાંધીયા હોય છે.

મહત્વની વાત એ છે કે કલાકો સુધી રાહ જોયા બાદ પક્ષકારોને નવી એપોઇન્ટમેન્ટ લેવાની સૂચના આપવામાં આવતી હોય છે. જેના કારણે પક્ષકારોએ ફરીથી એપોઇન્ટમેન્ટ લેવા માટે મજબૂર થવું પડે છે. ખરેખર નિયમ મુજબ બીજા દિવસનો વિકલ્પ આપવામાં આપવો જોઇએ તેના બદલે જવાબદારીમાંથી છટકવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી બીજી એપોઇન્ટમેન્ટ લઇને ફરી આવવું તેમ જણાવાય છે. અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગઇકાલે આખો દિવસ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ખોરવાઇ હતી અને આજે પણ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા થઇ શકી ન હતી. 




Google NewsGoogle News